દ્વારકામાં ઘટેલી ઘટના સામે ઠેર ઠેર પ્રવર્તતો રોષ હવે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તલગાજરડા આવીને માફી માંગે તેવી અનુયાયીઓની માંગણી
મોરારીબાપુ ઉપર દ્વારકામાં થયેલા હુમલાના પ્રયાસના ઘેરા પડઘા પડ્યા છે. એક વિવાદ સમી ગયા બાદ આ ઘટનાથી નવો વિવાદ જન્મ્યો છે. અને આ ઘટનાના વિરોધમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આવેદનો અપાયા છે. સાથે મહુવા અને વીરપુર આજે બંધ રહ્યું છે. મોરારી બાપુના અનુયાયીઓએ હવે એવી માંગ ઉઠાવી છે કે બાપુએ જેમ દ્વારકા ખાતે આવીને માફી માંગી તેમ હવે પબુભા માણેક તલગાજરડા આવીને બાપુની માફી માંગે.
તાજેતરમાં કથાકાર મોરારીબાપુએ કૃષ્ણના વંશજો વિશે કરેલી ટીપ્પણીથી આહીર સમાજમાં ભારે રોષ પ્રવર્તયો હતો. જેના પગલે ઠેર ઠેર આહીર સમાજે આવેદનો આપીને મોરારી બાપુ દ્વારકા આવીને માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી. જેના પગલે મોરારીબાપુએ દ્વારકા પહોંચીને માફી માંગી હતી. પરંતુ આ દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે ત્યાં ધસી આવીને મોરારીબાપુ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો જેથી આ વિવાદે નવું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
મોરારિબાપુના સમર્થનમાં મહુવા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, રાજકીય પક્ષના કાર્યકરો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આજે ૨૦ જુને મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આવી જ રીતે યાત્રાધામ વીરપુરમાં પણ બેઠક યોજી આગેવાનોએ આજે બંધ પાળવાનું એલાન કર્યું હતું.
જેના પગલે આજે મહુવા અને વીરપુર સજ્જડ બંધ રહ્યું છે. બન્ને નગરોમાં લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે.અને મોરારી બાપુ ઉપર થયેલા હુમલાના પ્રયાસને વખોડી કાઢ્યો છે. હવે એવી માંગ ઉઠાવવામાં આવી છે. કે મોરારીબાપુ જેમ દ્વારકા માફી માંગવા ગયા તેમ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક પણ તલગાજરડા આવીને બાપુની માફી માંગે. ઉલ્લેખનીય છે કે હવે જૂનો વિવાદ સમી ગયો છે અને મોરારી બાપુ ઉપર હુમલાના પ્રયાસને કારણે નવો વિવાદ ઉતપન્ન થયો છે.