એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શખ્સ સામે
આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો નોંધાતો ગુનો
મહુવા તાલુકાના બારપરાની યુવતીએ ધરાર પ્રેમીથી કંટાળી એસિડ પી આપઘાત કરી લેતા પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શખ્સ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે. આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ બારપરામાં રહેતી ભાવનાબેન પ્રેમજીભાઇ સેન્તા નામની યુવતીએ ગત તા.20 એપ્રિલના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ભાવનાબેન સેન્તાને તેના જ પાડોશમાં રહેતા સાગર મગન ગોહેલ નામના શખ્સ ધરાર પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હોવાથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે મૃતકના ભાઇ પરેશ પ્રેમજીભાઇ સેન્તાની ફરિયાદ પરથી સાગર મગન ગોહેલ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.