જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીનું અપહરણ કરી ઊનાના ખેતરમાં પણ હવસનો શિકાર બનાવ્યો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એક 24 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેણીના મંગેતર અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધનાર એક શખ્સ દ્વારા તેણીનું અપહરણ કરી ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોલીસે આરોપી અશોક બાંભણિયા સામે ગુનો નોંધ્યો છે. જેણે ગત તા.11મી જૂનના રોજ મહિલાને રાજકોટમાં તેની માસીના ઘરે બળજબરીથી લઈ જઈ ચાર-પાંચ દિવસમાં અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. રાજકોટથી આરોપી યુવતીને ગત તા.12મી જૂને ઉના શહેર નજીકના એક ખેતરમાં લઈ ગયો હતો. જ્યારે તે સૂઈ ગયો, ત્યારે મહિલાએ તેના મંગેતરને ફોન કર્યો હતો. જે પોલીસ સાથે ત્યાં પહોંચ્યો હતો. મહિલા અને હવસખોર અશોક બાંભણીયાને મહુવા પોલીસ મથકે લઈ જઈ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાએ ડરના માર્યા જબરદસ્તી શારીરિક સંબંધો અંગે પોલીસને જાણ કરી ન હતી.તેના પરિવારજનો દ્વારા બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા બાદ તેણીએ હિંમત ભેગી કરી હતી.
મહિલાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તેણીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને અશોક બાંભણીયા તરીકે ઓળખ આપી અશ્લીલ વાતો શરૂ કરી હતી. જ્યારે તેણીએ કોલ ડિસ્કનેક્ટ કર્યો, ત્યારે તેણે ફરીથી ફોન કર્યો અને ધમકી આપી કે તેણીના પરિવારને જણાવશે કે તેઓ સંબંધમાં છે તો જાનથી મારી નાખશે. જેથી તે ડરી ગઈ અને તેની સાથે વાત કરવા લાગી.