ધોનીના 20 રન અત્યંત નિર્ણાયક બન્યા : ચેનઇની ડીસીપ્લીન બોલિંગ સામે દિલ્હી ધરાશય થયુ
ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 167 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ચેન્નઈ તરફથી શિવમ દૂબેએ સૌથી વધુ 25 રન નોંધાવ્યા હતા. ઓપનર ઋતુરાજ ગાયકવાડે 24 રન નોંધાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 20, અંબાતી રાયડૂએ 23, રવિન્દ્ર જાડેજાએ 21 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નવ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 20 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ માટે મિચેલ માર્શે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ત્રણ ઓવરમાં 18 રન આપીને ત્રણ સફળતા મેળવી હતી. જ્યારે અક્ષર પટેલને બે સફળતા મળી હતી. ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.
દિલ્હી કેપિટલ્સ સામે 168 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ટીમની બેટિંગ ઘણી જ નિરાશાજનક રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. જ્યારે મિચેલ માર્શ પાંચ રન નોંધાવીને રન આઉટ થયો હતો. ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 140 રન નોંધાવી શકી હતી. ટીમ માટે સૌથી વધુ રન રિલી રોસોએ નોંધાવ્યા હતા. તેણે 37 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. જ્યારે મનીષ પાંડેએ 29 બોલમાં 27 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે અક્ષર પટેલે 12 બોલમાં 21 રન ફટકાર્યા હતા. ઓપનર ફિલિપ સોલ્ટે 17, લલિત યાદવે 12 અને રિપલ પટેલે 10 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે મથીશા પથિરાનાએ ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહરે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.
એટલું જ નહીં ચેન્નઈ સુપર કિંગ્સની ચુસ્ત બોલિંગના પગલે દિલ્હીની ટીમ બેકફૂટ ઉપર ધકેલાઈ હતી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની આ હારને તેને હવે પ્લેઓફમાં પહોંચવાના દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દીધા છે કારણ કે હવે માત્ર ત્રણ મેચ તેઓને રમવાના બાકી છે અને જો તે ત્રણ મેચ જીતે તો તેને છ પોઇન્ટ થાય હાલ તે 8 પોઇન્ટ ઉપર છેલ્લા ક્રમે છે અને જો તેઓ ત્રણેયને જીતે તો કુલ મળીને 14 પોઇન્ટ થાય જે સહેજ પણ શક્ય નથી કે તેઓ પ્લે ઓફમાં પહોંચી શકે.