સમગ્ર સમાજનું સુચારુ રીતે સંચાલન થઈ શકે, તે માટે મહિલા અભયમ 181ની ટીમ સતત કાર્યરત છે. આવી જ સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૂપે તાજેતરમાં 181 ની ટીમે મનોરોગી ભાઈ તથા તેમના દ્વારા ત્રાહિત માતા-પુત્રી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.
7મી મે ના રોજ 181 ની ટીમ પર ફોન આવ્યો કે હું અને મારા મમ્મી ઝાડ નીચે સંતાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને મારી નાખશે તેવી અમને બીક લાગે છે. મહિલા અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર પરિસ્થિતિ જાણી. લોકડાઉનની પરિસ્થિતિને લીધે રીક્ષા ચલાવતો ભાઈ તેમના કુટુંબનું યોગ્ય રીતે ભરણપોષણ કરી શકતો ન હોવાથી મનોરોગનો શિકાર થયો હતો, અને તેની દવા પણ ચાલુ છે. ઘણી વખત ઉશ્કેરાટમાં આવીને તે પોતાની માતા અને બહેનને મારકૂટ કરતો તથા તેમને ધમકી આપતો.
એક જ પરિવારની આ ત્રણેય વ્યક્તિઓને કાઉન્સેલર મકવાણા ચંદ્રિકાબેન, મહિલા કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન તથા પાઈલોટ કૌશિકભાઇ ચાંચિયાએ સતત કાઉન્સેલિંગ કર્યું અને ભાઈને સમજાવ્યો કે તે હજુ ખૂબ નાની ઉંમરનો હોવાથી અભ્યાસ કરે અથવા તો આઈ.ટી.આઈ નો કોર્સ કરે જેથી તેને સારી નોકરી મળી શકે. અને બંને માતા-પુત્રીને આટલી નાની ઉંમરના છોકરાથી ન ડરવા સમજાવ્યા અને ત્રણેય વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું. બંને માતા-પુત્રીએ મહિલા અભયમની ટીમનો આભાર માન્યો હતો.