૧૦,૮૬૦ બોટલ વિદેશી દારૂ, ટેન્કર, ત્રણ વાહન અને બે બાઇક મળી રૂ.૭૩.૫૨ લાખનો મુદામાલ કબ્જે: બુટલેગર સહિત આઠ શખ્સો ભાગી ગયા
શહેરમાં વિદેશી દારૂના ધંધાર્થી પર પોલીસે ધોસ બોલાવવાનું જારી રાખ્યું હોય તેમ એક સપ્તાહ પુર્વે માલીયાસણ પાસેથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લીધા બાદ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફે શહેરનાં ભાવનગર રોડ પર આવેલ શ્રીનાથજી ફાર્મ હાઉસ નજીક વિદેશી દારૂનાં કટીંગ વેળાએ રૂ.૩૪.૯૨ લાખની કિંમતની ૧૦,૮૬૦ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. દરોડો દરમિયાન નવાગામના બુટલેગર સહિત આઠ શખ્સો ભાગી જતા તમામની શોધખોળ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તહેવારો પૂર્વે શહેરમાં બુટલેગર મુકેશ પુંજા પલસાણીયા દ્વારા મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવાની પેરવીમાં હોવાની ક્રાઈમ બ્રાંચ અને એસઓજીનાં સ્ટાફને મળેલી બાતમીનાં આધારે વહેલી સવારે ભાવનગર રોડ પર શ્રીનાથર્જી ફાર્મ હાઉસ નજીક વોચમાં હતા ત્યારે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની અને કેમિકલનાં ટેન્કરની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની માહિતીનાં આધારે દરોડો પાડયો ત્યારે નાસભાગ મચી જવા પામી હતી. દરોડા દરમિયાન એલપીજી ટેન્કરમાંથી રૂ.૩૪.૯૨ લાખની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડનો ૧૦,૮૬૦ બોટલ દારૂ અને ટેન્કર અને બે બાઈક અને વાહનો મળી રૂ.૭૩.૫૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન બુટલેગર સહિત નાસી છુટેલા આઠ શખ્સોની શોધખોળ હાથધરી છે. આ દરોડાની કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં એસીપી જયદિપસિંહ સરવૈયા, એસઓજીનાં પીઆઈ આર.વાય.રાવલ અને પીએસઆઈ ખાચર સહિતનાં સ્ટાફે કામગીરી બજાવી હતી.