માહી મિલ્ક પ્રોડ્યુસર કંપનીએ સભાસદોમાટે 8 ટકા ડિવિડન્ડ કર્યું જાહેર
દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડની અગિયારમી વાર્ષિક સાધારણ સભા તારીખ 2જી સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સયાજી હોટલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી. વિશાળ દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ ગત નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન કંપનીએ સાધેલા વિકાસની રૂપરેખા રજુ કરી હતી. જ્યારે કંપનીના મુખ્ય કાર્યપાલક ડો. સંજય ગોવાણીએ વર્ષ દરમિયાન કંપનીએ કરેલા કાર્યોની વિગત આપી હતી.
કંપનીએ ગત વર્ષ દરમિયાન કુલ રૂપિયા 1534 કરોડની આવક નોંધાવી છે જ્યારે રૂપિયા 28.68 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીએ તેના સભાસદોને 8 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. જે કંપનીની દૂધ ઉત્પાદક સભ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. વૈશ્ર્વિક મહામારીના સમયમાં કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી, અગિયારમી વાર્ષિક સાધારણ સભા સંપન્ન કરીને સભ્યોએ શિસ્તબધ્ધતાનું અનેરૂં ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સાધારણ સભા પૂર્ણ થયા બાદ 2021-22ના વર્ષ દરમિયાન કંપનીના તમામ નિયમોનું પાલન કરી વધુને વધુ દૂધ ભરાવનાર વર્ગ અ, બ અને ક ના સર્વશ્રેષ્ઠ ત્રણ-ત્રણ સભ્યો મળીને કુલ નવ સભ્યોને માહી રત્ન અને પૂરક આહાર પેટે પશુઓ માટે માહીદાણનો વધુ વપરાશ કરનાર ત્રણ સભ્યોને માહીદાણ ચેમ્પિયનના એવોર્ડ આપી, રોકડ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.