પશુપાલકોમાં આનંદમય વાતાવરણ છવાયું

રાજ્યમાં આ વર્ષે એક તરફ લમ્પી વાયરસથી અનેક ગાયના મોત થયા છે અને બીજી તરફ પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની પોતાની સંસ્થા – માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ રૂ.10નો વધારો કરી કિલો ફેટના ભાવ રૂ.740 કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે. જન્માષ્ટમીના તહેવાર સમયે જ પશુપાલકોને ચૂકવવાના દૂધના ભાવ વધારવામાં આવતા પશુપાલકોની તહેવારની ખુશી બેવડાઇ ગઇ છે.

રાજ્યમાં લમ્પી રોગચાળાને કારણે પશુપાલકો ભારે ચિંતામાં મુકાયેલા છે તો બીજી તરફ પશુઓના ખાણ દાણની કિંમતોમાં પણ દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લીલા ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે તેની સાથે સાથે દાણ બનાવતી મોટાભાગની કંપનીઓએ દાણની બેગના ભાવમાં પણ અસહ્ય વધારો ઝીંકયો છે અને તેના કારણે પશુ નિભાવણી ખર્ચમાં કમ્મરતોડ વધારો થયો છે. તેની સામે માહી ડેરીએ માહી દાણના કોઈપણ વેરીયન્ટમાં ભાવ વધારો કર્યો નથી.

પશુપાલકોની મુશ્કેલ સ્થિતિને ધ્યાને લઇને દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપનીના નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેતા માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં રૂ.10 નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ.740 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માહી ડેરી દ્વારા કરાયેલા આ દૂધ ખરીદ ભાવ વધારાને કારણે પશુપાલકોની સમસ્યા મહદ અંશે હળવી બનશે. હાલ માહી ડેરી દ્વારા દૂધ ઉત્પાદક સભ્યોના હિતમાં જન્માષ્ટમીના તહેવાર પર જ લેવામાં આવેલા આ નિર્ણયના કારણે પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.