પશુપાલકો માટે આવકારદાયક નિર્ણય
ટૂંક સમયમાં બીજી વખત ભાવ વધતા પશુપાલકોમાં આનંદ
રાજ્યમાં આ વર્ષે એક તરફ લમ્પી વાયરસથી અનેક ગાયના મોત થયા છે અને બીજી તરફ પશુઓના ખાણ દાણની કિંમતોમાં સતત વધારો થતા પશુપાલકોની સ્થિતિ કપરી બની ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છના ખેડૂતોની પોતાની સંસ્થા – માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ રૂ.10 નો વધારો કરી કિલો ફેટના ભાવ રૂ.750 કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.
રાજ્યમાં લમ્પી રોગચાળાને કારણે પશુપાલકો ભારે ચિંતામાં મુકાયેલા છે. પશુપાલકોની મુશ્કેલ સ્થિતિને ધ્યાને લઇને દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહી ડેરીએ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેતા માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઇ ગઇ છે. માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં છેલ્લા વીસ દિવસમાં બીજી વખત રૂ. 10 નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂ. 750 ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.