માહી ડેરીની કામગીરીનો દસકો પૂર્ણ થતા યોજાયો કાર્યક્રમ: દરેક સ્તર પર ઉત્તમ ગુણવત્તા આપવી માહીનો મંત્ર: ચેરમેન
માહી તેને થતી 100 રૂપિયાની આવકમાંથી 80 થી 82 રૂપિયા દૂધ ઉત્પાદકોને પરત ચૂકવે છે તેના કારણે દૂધ ઉત્પાદક સદસ્યો સ્વાભિમાનપૂર્વક તેમનું ગુજરાન ચલાવી આજે પણ ગૌરવ અનુભવી રહ્યા છે. સતત વિકાસ સાથે એક દાયકાની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરવી તે બહુ મોટી વાત છે તેમ સંસ્થાની કામગીરી શરૂ કર્યાના દસ વર્ષ પૂર્ણ થતા યોજાયેલા સમારંભમાં પ્રાસંગિક ઉદબોધન કરતા માહી ડેરીના ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યું હતું. તેમણે દૂધ ઉત્પાદક સદસ્યોના આર્થિક ઉત્થાન માટે સતત કાર્યરત રહેવા બદલ સંસ્થા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા સૌ કોઇનો આભાર માની સંસ્થાને નવી ઉંચાઇઓ પર લઇ જવા હાકલ કરી હતી. આ પ્રસંગે ડેરીની નવી પ્રોડકટ માહી લસ્સી લોન્ચ કરવામાં આવી હતી.
માહી ડેરીના વિવિધ ઉત્પાદનોએ તેની ઉચ્ચ ગુણવત્તા થકી માર્કેટમાં એક અલગ જ સ્થાન મેળવી લીધુ છે ત્યારે ડેરી દ્વારા તેની કામગીરી શરૂ કર્યાના અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે ડિસ્ટ્રીબ્યુટરો અને ટ્રાન્સપોર્ટરોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ચીફ એકિઝક્યુટિવ ડો. સંજય ગોવાણીએ ડિજિટલ ક્ષેત્રમાં સંસ્થાએ સાધેલી સિધ્ધિઓને બિરદાવી હતી. તેમણે માહીની આ યાત્રામાં પોતાના આર્થિક સ્વાવલંબન સાથે સાથે દૂધ ઉત્પાદકોની સેવાનો પણ લાભ મેળવી યોગદાન આપનાર તમામ સ્ટેક હોલ્ડર્સનો આભાર પણ માન્યો હતો.
માહી ડેરીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ સંસ્થાનો પાયો જ ગુણવત્તા પર ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાવી કહ્યુ હતું કે, “દરેક સ્તર પર ગુણવત્તા એ સુત્રને ધ્યાને રાખીને જ માહીમાં કાર્ય કરવામાં આવતું હોવાથી માહીના દરેક ઉત્પાદનો લોકોમાં વિશ્વાસભર્યુ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.” આ પ્રસંગે માહી ડેરીના નિયામક વિશ્ર્વાસભાઇ ડોડિયાએ પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યુ હતું. જ્યારે જીજ્ઞેશભાઇ બોરડે માહીની યશગાથા રજૂ કરી હતી. આ પ્રસંગે સેલ્સ અને માર્કેટિંગ હેડ હર્ષદત્ત ચૌબેએ પણ પ્રાસંગિક વકતવ્ય આપ્યુ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીબ્યુટર્સની વિશાળ ઉપસ્થિતિમાં નવી પ્રોડકટ માહી લસ્સી લોન્ચ કરવામાં આવી હતી. શૌનક રાવલે લસ્સી અંગે વિસ્તૃત રસપ્રદ વિગતો રજૂ કરી હતી. ગુલાબ, લીચી અને મેન્ગો સ્વાદમાં લોન્ચ કરવામાં આવેલ માહી લસ્સી નેચરલ આઇડેન્ટીકલ ફલેવર્સમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માહી ડેરીએ ગત વર્ષે નેચરલ ફલેવર્સમાં શ્રીખંડ અને મિષ્ટિ દોઇ લોન્ચ કર્યા હતા અને તેને લોકોનો અકલ્પનીય પ્રતિસાદ મળ્યો છે.