તળાજાથી માહી પશુ સેવાનો શુભારંભ! માહી મકાઇ ભરડો લોન્ચ
માહી ડેરીએ પશુ સેવા ચાલુ કરતા પશુપાલકોની લાંબા સમયની માંગણી આજે સંતોષાઈ છે. આ સુવિધા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આંગળીના ટેરવે ઘરઆંગણે ઉપલબ્ધ બનતા પશુપાલકોના પશુઓની સારવાર સરળ બની છે. તેમ તળાજા ખાતે માહી ડેરી દ્વારા પશુ સેવા શરૂ કરવા યોજાયેલા સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતા માહી ડેરીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
પશુપાલકો અને માહી ડેરીના દૂધ ઉત્પાદક સદસ્યો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે માહીની પશુ સારવાર સેવાનો પ્રાયોગિક તબક્કે ભાવનગરના તળાજાથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તળાજા ખાતે આ પશુ સેવા શરૂ કરવા યોજાયેલ સમારોહમાં માહી ડેરીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ નફાકારક પશુપાલન અંગે વિસ્તૃત જાણકારી આપી. પશુપાલકોને ખેતીમાં વધુ ઉત્પાદનની લાલચ ત્યાગી જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પશુપાલન વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના સંયુક્ત નિયામક ડો. ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પરંપરાગત પશુપાલન વ્યવસાયને જો આગળ લઇ જવો હશે તો તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોડવો જ પડે. તેમણે જીડીપીમાં ખેતી અને પશુપાલનનો મોટો ફાળો છે તેમ જણાવી ઉત્તમ પ્રજાતિના પશુઓ મેળવવા પશુપાલકોને કૃત્રિમ બીજદાન ઝડપથી કરાવવા અનુરોધ કર્યો હતો. તેમણે માહી ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ સેવા સુવિધાને બિરદાવી હતી.
આ પ્રસંગે માહી ડેરીના ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીએ તમામ પશુઓમાં ટેગ લગાવવા અનુરોધ કરતા પશુપાલકોને તેનાથી થતા લાભોની વિસ્તૃત જાણકારી આપી ભવિષ્યમાં પશુ સેવા એપ્લિકેશનમાં ઉપબ્ધ કરાવવામાં આવનાર નવી નવી સુવિધાઓનો ચિતાર આપ્યો હતો.
પશુપાલકો માટે આશીર્વાદરૂપ માહી પશુ સેવાના શુભારંભ પ્રસંગે પશુપાલન વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના સંયુકત નિયામક ડો. ભરતસિંહ ગોહિલ, નાયબ નિયામક (ભાવનગર) ડો. કલ્પેશ બારેયા, મદદનીશ નિયામક (રાજકોટ) ડો. કાકડીયા, પશુપાલન અધિકારી ભરત પ્રજાપતિ, માહી ડેરીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણી, નિયામક મંડળના વિશ્વાસભાઇ ડોડિયા, સુશીલાબેન પંડયા ઉપરાંત વિશાળ સંખ્યામાં પશુપાલકો, સહાયકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પશુ આહાર માહી મકાઈ ભરડો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પ્રાયોગિક ધોરણે ભાવનગરથી શરૂ કરવામાં આવેલ માહી પશુ સેવા તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માહી પશુ સેવા એ માહી ડેરીના કાર્યક્ષેત્ર અંતર્ગતના તમામ દૂધ એકત્રીકરણ કેન્દ્રોના દૂધ ઉત્પાદકોના પશુઓ માટે ઘેર બેઠા ઉપલબ્ધ રહેશે. આ સેવા અંતર્ગત દરેક પ્રકારના પશુ સ્વાથ્ય અને આરોગ્ય સંબંધિત સારવાર તેમજ ઓપરેશનની સુવિધા માહી ડેરીના અનુભવી, નિષ્ણાંત અને માન્યતા પ્રાપ્ત પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પશુપાલકોને ઘર બેઠા પ્રાપ્ત થશે. સેવાના ભાવથી શરૂ કરવામાં આવેલ આ માહી પશુ સારવાર સુવિધા સેવાનો લાભ મેળવવા માટે માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યો માહી મેમ્બર એપ્લિકેશન અથવા સહાયક એપ્લિકેશન દ્વારા વિઝિટની નોંધણી કરાવી શકે છે જ્યારે માહી ડેરીના સભ્ય ન હોય તેવા પશુપાલકો સહાયક એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકે છે. માહી પશુ સેવાનો લાભ લેવા ઇરછુક માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યોના પશુઓને કાનની કડી (ટેગ) લગાવેલી હોવી ફરજીયાત છે.