“માહી માર રહા હૈ” નહિ, “માહી અભી ઔર મારેગા”… મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે ચેન્નાઇ સુપરકિંગ્સના CEO વિશ્વનાથને પોતાના ફેવરિટ અને વિશ્વાસુ ક્રિકેટર ધોનીને લઇ બહુ મોટી જાહેરાત કરી છે કે તેઓ હજુ 2 વર્ષ સુધી IPL રમવા બિલકુલ ફિટ એન્ડ ફાઈન છે અને હાલમાં તેની પાસે ક્રિકેટ છોડવા કોઈ બાનું પણ નથી. ગત 7 જુલાઈ ના રોજ તેઓ 40 વર્ષના થયા. અસંખ્ય ફેન્સ તેમજ ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેમને સોશ્યિલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પરંતુ તેઓ આટલી જલદી IPLમાંથી સંન્યાસ નહીં લે. ધોની 1-2 વર્ષ વધુ લીગ રમશે. આ વાત ધોનીની IPL ટીમના CEO વિશ્વનાથને કહી છે.
જોકે, આ વાત ધોની પણ કહી ચૂક્યો છે. IPL 2020ની એક મેચમાં ટોસ દરમિયાન કમેન્ટેટર ડેની મૉરિસને ધોનીને પૂછ્યું હતું કે આ તમારી યલો જર્સીમાં છેલ્લી મેચ છે. જેના જવાબમાં ધોનીએ તરત વળતો જવાબ આપ્યો હતો કે બિલકુલ નહીં.
આ સવાલ અંગે હવે વિશ્વનાથને કહ્યું હતું કે ધોની અત્યારે ચેન્નઈ ટીમ માટે વધુ એક અથવા બે વર્ષ રમી શકે છે. તે ફિટ અને ટ્રેન છે. તેમની પાસે ગેમ ના રમવાનું કોઇ કારણ જ નથી. તે ટીમ માટે જે પણ કરી રહ્યા છે, અમે એમા ખુશ છીએ. અમે અનુભવી શકીએ છીએ કે તે શાનદાર છે અને એક ‘ડાયમન્ડ પ્લેયર’ છે. ધોની પહેલેથી એક શાનદાર ફિનિશર છે.
પૂર્વ ઈન્ડિયન કેપ્ટન ધોની 2008થી ચેન્નઈ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યા છે. તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમે સૌથી વધુ 8 વાર ફાઇનલ રમી અને તેમાંથી 3 વાર (2010, 2011, 2018) ટ્રોફી પણ જીતી છે. વિશ્વનાથનના નિવેદનથી સામે આવ્યું હતું કે CSK ધોનીને આગામી મેગા ઓક્શન પહેલા રિટેન કરશે.
ચેન્નઈ 2020 IPLમાં પ્લેઓફની બહાર ફેંકાઈ ગઈ હતી. આ સીઝનમાં પણ ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેમણે 14 મેચમાં 25ની એવરેજથી 200 રન જ બનાવ્યા છે.
ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તેણે કેપ્ટન તરીકે 332માંથી 178 (વનડે, ટેસ્ટ અને T-20) મેચ જીતાડી છે. આ સિદ્ધિ મેળવનાર તે પહેલા ખેલાડી છે. ધોનીએ 200 વનડે માંથી 110 અને 60 ટેસ્ટમાંથી 27 જીતી છે. તેણે 72 T-20માંથી 41 જીતી છે. આ યાદીમાં કોહલી બીજા ક્રમાંક પર છે. તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે કુલ 117 મેચ જીતી છે.
આ સારા સમાચાર સાંભળતા જ લોકોમાં હજી વધુ ઉત્સાહ આવી ગયો છે કે હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં IPL ફેઝ -2 શરુ થવા જઈ રહ્યો છે ત્યારે હવે એક નવા ઉત્સાહ અને નવા સ્ટ્રેટેજિક પ્લાન સાથે ચેન્નાઇ સુપરકિંગ્સ ટિમ ઉતરવા તૈયાર થઇ ચુકી છે સાથે જ વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમાય રહી છે.