- શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડાકોરના લૂંટારુને દબોચી લઈ સઘન પૂછતાછ હાથ ધરતા રાજકોટ, સુરત, ભુજના છ ગુનાનો ભેદ ઉકેલાયો : નવેક ગુનાની કબૂલાત
- સાવધાન…. મુસાફરીમાં અજાણ્યા શખ્સે આપેલી કોઈ જ વસ્તુ આરોગવી નહિ
- અબતક, રાજકોટ
મુસાફરી કરતીવેળાએ અજાણ્યા શખ્સનો ભરોસો કરવો કેટલું જોખમી બની શકે છે તેનું મોટું ઉદાહરણ સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ડાકોરના મહેન્દ્ર ચુડાસમાને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા ગજબની મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરી લેવાની કબૂલાત ડાકોરના લૂંટારુએ આપી છે. બિસ્કિટમાં ઉંઘની ટીકડીઓ ભેળવી સાથી મુસાફરને ખવડાવી બેભાન કરી નવેક લોકોને લૂંટી લીધાની કબૂલાત લૂંટારુએ આપી છે. મહેન્દ્ર ચુડાસમાની ધરપકડ થતાં રાજકોટ શહેર -ગ્રામ્ય, ભુજ અને સુરતના છ જેટલાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. જયારે મહેન્દ્ર ચુડાસમાએ નવેક ગુનાની કબૂલાત આપી છે.
રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં પ્રૌઢને બસમાં સોફમાં સાથે બેસેલા શખ્સે ઘેની બિસ્કીટ ખવડાવી રૂ..1.65 લાખની તફડંચી કરી હતી. બનાવ અંગે કોઠારીયા રોડ પર પંચનાથ સોસાયટી શેરી નં.3 માં રહેતાં રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ લોઠડા ગામમાં પ્લાસ્ટીકનાં કારખાનામાં મજુરીકામ કરે છે. તેઓ ત્રણ ભાઈ છે.જેમાં મોટાભાઈ ધીરૂભાઈ તેના પરીવાર સાથે સુરત રહે છે. તેમજ તેમના સુરતના કામરેજ રહેતાં મિત્ર નરેશભાઇ હરસોરાના મકાનનું વાસ્તુ ગઇ તા.16/08/2023 નાં હોય જે પ્રસંગે હાજરી આપવા ગઈ તા.-15/ 08/2023નાં રાત્રીનાં ગ્રીનલેન્ડ ચોકડીએથી સુરત જતી લક્ઝરી સ્લીપર બસમાં ડ્રાયવર સાઇડની પહેલી શીટના ડબલના ઉપરના શોફામાં બેસેલ અને મારી પાછળ તુરંત જ એક અજાણ્યો શખ્સ હાથમા કાળા કલરનો થેલો હતો.
તે માણસ તેઓની સાથે સોફામાં બેસેલ હતો. અજાણ્યા માણસ જે પોતે વેફર્સ તથા ક્રીમવાળા બીસ્ટીકનો નાસ્તો કરતો હોય જેથી તેણે મને નાસ્તો કરવાની સલાહ કરી પોતા પાસે રહેલ એક ક્રિમવાળુ બીસ્ટીક ખાવા માટે આપેલ જેથી તેમને ના પાડેલ છતાં તેને વધારે આગ્રહ કરતા તેણે આપેલ બિસ્કીટ લઇ ખાઇ ગયેલ હતાં.બિસ્કીટ ખાધા બાદ તુરંત જ અચાનક ઘેન ચડવા લાગેલ અને ત્યારબાદ તે ઉંઘી ગયેલ હતાં.
જે બાદ તેમની સાથે શું થયુ તેની કંઈ ખબર ન હતી. તેઓ સંપુર્ણ ભાનમાં આવ્યો ત્યારે રાજકોટની વિદ્યાનગર રોડ ઉપર આવેલ દવાખાનામાં સારવાર હેઠળ હતાં. તેઓએ નાનાભાઈને પુછતા વાત કરેલ કે, તમારો ફોન બંધ હોય અને ગઈ તા.18/08/2023 નાં રાત્રીના ફોન કરતા તમારો ફોન કોઇ પોલીસવાળાએ ઉપાડેલ અને તમે ત્યારે કતારગામ વડલા સ્ટેંડ સુરત લક્ઝરી બસનાં પાર્કીંગમાં બાકડા ઉપર સુતા હતાં અને પોલીસવાળાએ અમને કહેલ કે, આ ભાઈ અહીં બાકડા ઉપર પડેલ છે.
તો તમે આવીને અહીંથી લઈ જાઓ જેથી મોટાભાઇને ફોન કરતાં તમને તેના ઘરે લઈ ગયેલ અને બાદમાં તમને રાજકોટ લાવેલ હતાં. તેમજ નાનાભાઈને તેઓ સુરત જવા નીકળેલ ત્યારે પહેરેલ બે સોનાની વિંટીઓ, ગળામાં પહેરેલ સોનાનો ચેઈન અને ખીસ્સામાં રહેલ રોકડા રૂ.35 હજાર અંગે પુછતાં તેને કંઇ જાણ ન હતી. બાદમાં તેમને યાદ આવેલ કે, મારી સાથે ગ્રીનલેન્ડ ચોકડીથી મારા સોફામા બેસેલ અજાણ્યા માણસે તેમને ક્રીમવાળુ બિસ્કીટ ખવડાવિ બેભાન કરી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.65 લાખનો મુદામાલની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
બીજા બનાવમાં સુરતમાં કામરેજ ચાર રસ્તા નજીક રાધા કૃષ્ણ રોડ પર રહેતાં હરસુખભાઇ મેઘજીભાઈ સાવલીયા (ઉ.વ.54) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુરતના કામરેજમાં દાવત ઠંડા પીણાની એજન્સી ધરાવે છે. ગઈ તા.06 ના સાંજના સમયે તેઓ કામરેજથી પ્રભાત ટ્રાવેલ્સમાં ડબ્બલના સોફામાં જેતપુર સાસરાના ઘરે કામ સબબ આવવા માટે નિકળેલ હતાં.
તેમની સાથે સોફામાં અન્ય એક અજાણ્યો માણસ બેસેલ હતો. તેઓએ ગળામાં રૂદ્રાક્ષની માળા સોનાની ચેનવાળી, હાથમાં સોનાની બે વિંટી પહેરેલ હતી તેમજ તેમની પાસે રૂ.6 હજાર રોકડ હતી. તેમની સાથે સોફામાં અજાણ્યો માણસ હતો તે બન્ને વાતો કરતા હતાં. ત્યારે તેને પોતાનુ નામ મહેન્દ્રસિંહ હરુંભા ચુડાસમાં (રહે.ડાકોર) આપેલ અને આશરે દસેક વાગ્યે તેને નાસ્તો કરવાનું કહેલ અને વેફર તથા બીસ્કીટ ખવડાવેલ ત્યાર બાદ ફરિયાદીને કોઇ હોંશ રહેલ નહી. બીજા દિવસે તેમને હોંશ આવેલ ત્યારે તેઓ જેતપુર ખાનગી હોસ્પિટલમાં દાખલ હતાં અને જોયુ તો ગળામાં પહેરેલ રૂદ્રાક્ષની માળા, હાથની વીંટીઓ અને રોકડ રકમ ન હોય જેથી ત્યાં હાજર પરિવારના લોકોને પૂછતાં વાત કરેલ કે, તમે સુરતથી જેતપુર આવવા નિકળેલ, બાદ અમને ઉપલેટા પ્રભાત ટ્રાવેલ્સની ઓફીસથી જાણ થયેલ કે, તમારા સબંધી અમારી ઓફીસે બેભાન હાલતમાં છે, તેવી વાત કરતા તમને સારવારમાં લઈ આવેલ છે.
ત્યારબાદ તેમને હોસ્પિટલથી રજા આપતા તેઓ સુરત જતો રહેલ હતાં. બાદમાં તેઓએ તપાસ કરતાં તેમની સાથે સુરતથી ટ્રાવેલ્સમાં બેસેલ મહેન્દ્રસિંહ ચુડાસમાં તેઓની રૂદ્રાક્ષની માળા સોનાની ચેન વાળી રૂ.1.23 લાખ, સોનાની વિંટી બે રૂ.50 હજાર અને રોકડ મળી કુલ રૂ. 1.79 લાખનો મુદામાલ ચોરી કરી નાસી છૂટ્યો હતો, જે ટ્રાવેલ્સના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા જાણવા મળેલ હતું.
ત્રીજા બનાવ અંગે સુરતમાં રેલ્વે સ્ટેશન મેઈન રોડ પર રહેતાં વિજયભાઇ કિશોરભાઈ હંસલીયા (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ફરસાણની દુકાન ચલાવી વેપાર કરે છે અને ગઈ તા.09-12- 2023 ના તેઓ સુરતથી રાજકોટ તરફ ટ્રાવેલ્સમાં આવતાં હતાં ત્યારે તેમની સાથે સોફામાં બેસેલો અજાણ્યાં શખ્સે તેમને ઘેની ઔષધિ વાળું બિસ્કીટ ખવડાવી બેભાન કરી તેમને પહેરેલ સોનાનો ચેઇન, એક વિંટી અને મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.1.70 લાખની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
કપડાં અને જવેલરીનો વેપારી મહેન્દ્ર ચુડાસમા લૂંટના ગુનામાં અગાઉ જેલની હવા ખાઈ ચુક્યો છે
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર મહેન્દ્ર હરૂભા ચુડાસમા મૂળ ડાકોરનો વતની છે અને ત્યાં પોતાની કપડાં અને જવેલરીની દુકાન ધરાવે છે પણ લાલચમાં આવીને તે આ પ્રકારે લૂંટ ચલાવે છે. મહેન્દ્ર ચુડાસમા અગાઉ વર્ષ 1998માં ત્રણેક લૂંટના ગુનામાં વડોદરા જેલમાં લાંબો સમય સુધી રહી આવ્યો છે. જેલની બહાર નીકળ્યા બાદ ફરીવાર તેણે લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું.
ઉંઘની ટીકડીના ઓવરડોઝથી જીવનું જોખમ
મહેન્દ્ર ચુડાસમા જે ઉંઘની ટીકડી ભેળવીને પેસ્ટ બનાવતો હતો તે ઉંઘની ટીકડીઓના લીધી અમુક ભોગ બનનાર તો ત્રણ દિવસે ભાનમાં આવતા હતા. આ ટીકડીના ઓવરડોઝથી જીવનું જોખમ પણ થઇ શકે છે તેવું પોલીસે જણાવ્યું છે. આ ઉંઘની ટીકડીઓ કોઈ જ પ્રિસ્ક્રીપશન વિના જ મહેન્દ્ર મેડિકલ સ્ટોરમાંથી મેળવી લેતો હતો.