પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો આદેશ ઈન્દ્રનીલ રાજયગુરુને પણ જાણ કરી દેવાઈ વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ કોંગ્રેસમાં મહાડખ્ખા
વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસમાં ડખ્ખા પણ વધી રહ્યા છે. જેડીયુ સાથે ગઠબંધનના ભાગ‚પે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવાની સુચના આપી દેવામાં આવી છે. આ ઘટનાના આઘાતમાંથી કાર્યકરો બહાર આવે તે પહેલા જ બહુ ચગેલા ઈન્દ્રનીલ રાજયગુરુની પાંખ હાઈકમાન્ડે કાપી નાખી છે અને તાત્કાલિક અસરથી પ્રદેશ મંત્રી મહેશ રાજપુતને રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકારી પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે.
ઈન્દ્રનીલ રાજયગુરુની રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વરણી થયા બાદ તેઓ સંગઠનના અન્ય હોદેદારોને સાથે રાખી ચાલતા ન હોવાની ફરિયાદો છેક દિલ્હી સુધી પહોંચી હતી. ઈન્દ્રનીલની કાર્યશૈલીથી કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટ પૂર્વ બેઠક માટે કોંગ્રેસે અગાઉ મહેશ રાજપુતના નામની જાહેરાત કર્યા બાદ મિતુલ દોંગાને ટિકિટ આપી દેતા ભારે વિવાદ ઉભો થયો હતો. દરમિયાન આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તાત્કાલિક અસરથી રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે મહેશ રાજપુતની વરણી કરી દીધી છે. આની પાછળ એવું કારણ આપવામાં આવી રહ્યું છે કે ઈન્દ્રનીલ રાજયગુરુ મુખ્યમંત્રી સામે ચૂંટણી લડતા હોય તેવો અન્ય બેઠકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. સંગઠન પુરી તાકાતથી વિધાનસભાની ચૂંટણીમાં કામ કરી શકે તેવા આશ્રય સાથે હાઈકમાન્ડે મહેશ રાજપુતને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે.
જોકે અંદર ખાને કોંગ્રેસમાં કંઈક અલગ જ રંધાય રહ્યું છે એક જૂથ ઈન્દ્રનીલ રાજયગુરુ સામે પડયું છે અને તેને હરાવવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે હાઈકમાન્ડને રાજકોટનું બળતું ઘર મહેશ રાજપુતને હસ્તક સોંપી દીધું છે.