- મહારાષ્ટ્રમાં મોટાભાગના એક્ઝિટ પોલે ભાજપ ગઠબંધનની વિજયનો વરતારો વ્યક્ત કર્યો: ઝારખંડમાં 4 એક્ઝિટ પોલમાં ભાજપ અને 1 એક્ઝિટ પોલમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધનના વિજયની ધારણા
- યુપીની 9 વિધાનસભા બેઠકોમાંથી 5-7 બેઠકો પર ભાજપની જીતની સંભાવના
- મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. હવે પરિણામની રાહ જોવાય રહી છે. તેવામાં મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિના વિજયની આગાહી કરાઈ હતી, જ્યારે ઝારખંડમાં રસાકસીની શક્યતા વ્યક્ત કરી હતી.
મેટ્રીઝ, પીપલ્સ પલ્સ, જેવીસી-ટાઇમ્સ નાઉ, પી માર્ક, ઇલેક્ટોરલ એજ, ચાણક્ય સ્ટ્રેટેજી સહિતની એજન્સીઓ મહારાષ્ટ્રમાં મહાયુતિના વિજયની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે એક્ઝિટ પોલ્સના તારણો ઘણીવાર વાસ્તવિકતાથી વિપરીત હોય છે અને બંને રાજ્યોની ચૂંટણીનું ખરુ રિઝલ્ટ 23 નવેમ્બરે જાહેર થશે. મહારાષ્ટ્રમાં બુધવારે મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે એમ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ બેઠકો 288 છે અને બહુમતી માટેનો જાદૂઈ આંક 145નો છે. બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની કુલ બેઠકો 81 છે અને બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના-એનસીપીનું મહાયુતિ ગઠબંધન સત્તામાં છે, જ્યારે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)-કોંગ્રેસનું શાસન છે.
એક્સિસ માયઇન્ડિયાએ ઝારખંડમાં કોંગ્રેસ-જેએમએમ ગઠબંધનની 81માંથી 53 બેઠકો સાથે જીતની આગાહી કરી હતી, જ્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએને માત્ર 25 અને અન્ય પક્ષોને ત્રણ બેઠકો આપી હતી.મેટ્રિઝે કરેલા એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં 48 ટકા વોટ શેર સાથે ભાજપ અને સહયોગી પક્ષોને માટે 150-170 બેઠકોની આગાહી કરાઈ હતી, જ્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને માત્ર 110-130 બેઠકો આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનને 42 ટકા વોટ શેર મળવાની ધારણા છે. આ એક્ઝિટ પોલમાં બીજી નાની પાર્ટીઓને 8થી 10 બેઠકો આપવામાં આવી હતી. ઝારખંડમાં મેટ્રિઝ એક્ઝિટ પોલમાં એનડીએને 42-47 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને 25-30 બેઠકોની આગાહી કરાઈ હતી. પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં એનડીએની મહાયુતિને 175-195 બેઠકોનો જ્યારે એમવીએને માત્ર 85-112 અને અન્ય પક્ષોને 7-12 બેઠકોનો અંદાજ અપાયો હતો.
પીપલ્સ પલ્સે ઝારખંડમાં એનડીએને 44-53 બેઠકો અને ઈન્ડિયા બ્લોકને 25-37 બેઠકોની આગાહી કરી હતી. આમ આ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતીનો સંકેત મળે છે. મહારાષ્ટ્રમાં પી-માર્કના અન્ય એક એક્ઝિટ પોલે એનડીએને કુલ 137-157 બેઠકો અને ઈન્ડિયા બ્લોક એમવીએને 126-146 બેઠકો આપી હતી જ્યારે અન્ય પક્ષોને 2-8 બેઠકો આપી હતી, જે ત્રિશંકુ વિધાનસભાનો સંકેત આપે છે. ઇલેક્ટોરલ એજ મુજબ મહારાષ્ટ્રમાં એમવીએને 150 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 121 અને અન્ય પક્ષોને 20 બેઠકો મળી શકે છે. ચાણક્ય સ્ટ્રેટેજીએ કરેલા પોલ મુજબ મહારાષ્ટ્રમાં મહાયુતિને 152-160 બેઠકો અને એમવીએને 130-138 બેઠકોની આગાહી કરાઈ હતી. કેટલાક એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાંથી 5-7 બેઠકો પર ભાજપની જીતની આગાહી કરાઈ હતી.