- ભાજપ 128, શિવસેના (શિંદે) 56 અને એનસીસી (અજીત) 36 બેઠકો પર આગળ: મહાયુતીની સરકાર બનશે
- કોંગ્રેસ 22, શિવસેના (ઉધ્ધવ) 17 અને એનસીપી (શરદ) 13 બેઠકો પર આગળ: ઇન્ડિયા ગઠબંધનને મહારાષ્ટ્રમાં જાકારો’
- ઝારખંડમાં ઝામૂમો અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનશે: ઉત્તરપ્રદેશ વિધાનસભાની 9 બેઠકોની પેટા ચૂંટણીમાં 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
મહારાષ્ટ્રના મહાભારતમાં મહાયુતીને પ્રચંડ જનાદેશ મળ્યો છે. મહારાષ્ટ્રની જનતાએ ફરી એક વખત સ્થિર સરકાર આપી છે. રાજ્યની 288 બેઠકો પૈકી ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત)ની મહાયુતી 216 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનનો સફાયો થઇ ગયો છે. મહાયુતીનો વોટશેર 49 ટકા રહ્યો છે. મહારાષ્ટ્રના પરિણામોથી હવે લોકસભાના સમીકરણો પણ ફરે તેવા સ્પષ્ટ એંધાણ દેખાય રહ્યા છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી પ્રાપ્ત થઇ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 9 બેઠકો માટેની પેટા ચુંટણીમાં ભાજપને 7 બેઠકો મળે તેવા આસાર પ્રાપ્ત થઇ રહ્યા છે. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ શિવસેનાના સંજય રાઉતે પરિણામમાં ગડબડની આશંકા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે ગત 20મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ અલગ-અલગ સર્વે એજન્સી અને ન્યૂઝ ચેનલો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં ભાજપ પ્રેરિત મહાયુતીને બહુમત મળશે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યા હતા. ઓપિનિયન પોલ સાચા ચોક્કસ ઠર્યા છે પરંતુ મહાયુતીને જેટલી બેઠકો બતાવવામાં આવી હતી. તેના કરતા વધુ બેઠકો મળી છે. મહાયુતીનો વોટશેર 49 ટકા રહ્યો હતો.
જ્યારે મહાવિકાસ અઘાડીનો વોટશેર માત્ર 32 ટકા રહ્યો હતો. અપક્ષનો વોટશેર 18 ટકા રહ્યો છે.
વર્ષ-2019માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી. જ્યારે શિવસેનાને 56, એનસીપીને 54, કોંગ્રેસને 44 અને અન્ય પાર્ટીને 28 બેઠકો પ્રાપ્ત થઇ હતી. 2019માં પણ મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેનાના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી આપી હતી. પરંતુ સત્તાની લાલચમાં ઉધ્ધવ ઠાકરેએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસ અને એનસીપીનો હાથ પકડી લીધો હતો અને મુખ્યમંત્રી બન્યા હતા. જો કે અઢી વર્ષ બાદ એકનાથ શિંદેએ શિવસેનાની વિચારધારાનું હનન થઇ રહ્યું હોવાનું કહી બળવો કર્યો હતો અને ભાજપના સપોરેથી સરકાર બનાવી હતી અને પોતે મુખ્યમંત્રી બન્યા હતા. પાછળથી આ ગઠબંધનમાં એનસીપીના અજીત પવાર પણ જોડાઇ ગયા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પ્રેરિત મહાયુતી અને કોંગ્રેસ પ્રેરિત મહાવિકાસ અઘાડી પાર્ટી વચ્ચે મુખ્ય ટક્કર હતી. જનતાએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપતો જનાદેશ આપ્યો છે. મહાયુતી હાલ 221 બેઠકો પર આગળ ચાલી રહી છે. સરકાર રચવા માટે 145 બેઠકોની આવશ્યક્તા છે. બહુમતીથી મહાયુતી ખૂબ જ આગળ નિકળી ચુકી છે. ભાજપ 127 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે શિવસેના (શિંદે) 58 બેઠકો પર અને એનસીપી (અજીત પવાર) 36 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
જ્યારે મહાવિકાસ અઘાડી ગઠબંધનને 53 બેઠકો મળી રહી છે. કોંગ્રેસ 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શિવસેના (ઉધ્ધવ ઠાકરે) માત્ર 18 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જ્યારે એનસીપી (શરદ પવાર) માત્ર 13 બેઠકો પર પોતાના નજીકના હરિફ ઉમેદવારથી આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકાર બનશે. ભાજપના મુખ્યમંત્રી આવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
ઝારખંડમાં જેએમએમની સરકાર બને તેવા આસાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અહીં આદિવાસી અને ખેડૂત સમાજે ફરી એકવાર ઝારખંડ મુક્તિ મોરચા પર વિશ્ર્વાસ મુક્યો છે. રાજ્યની 81 બેઠકો પૈકી ભાજપ અને સાથી પક્ષો 31 બેઠકો પર આગાળ ચાલી રહ્યા છે. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ઉમેદવારો 47 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી પદે વધુ એકવાર હેમંત સોરેન સત્તારૂઢ થાય તેવી શક્યતા દેખાય રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 9 બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપ 7 બેઠકો પર આગળ છે. જ્યારે સમાજવાદી પાર્ટી ત્રણ બેઠકો પર લીડ કરી રહ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી હવે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનમાં સાથી પક્ષોમાં મોટાપાયે ફેરફાર થવાની શક્યતા પણ રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના ચૂંટણીના પરિણામો શરૂ થતા પહેલા જ પોતપોતાનાવિજેતાઓને ઠેકાણે પાડવા તમામ પક્ષો કામે લાગ્યા
પરિણામમાં રસાકસીની શકયતાએ અપક્ષો ઉપર તમામ પક્ષોની નજર: પક્ષો દ્વારા વિજેતા ધારાસભ્યોને નજર કેદ રાખવા ચાર્ટર્ડ ફ્લાઇટ સાથે રિસોર્ટ પણ સજ્જ કરી દેવાયા
મહારાષ્ટ્રના પરિણામમાં રસાકસીને ધ્યાને લઇ હવે મહાસંગ્રામ શરૂ થવાની શક્યતા છે. જેને લઈને મહા વિકાસ અઘાડી અને મહાયુતિ બંને તેમના વિજેતા ધારાસભ્યોને બચાવવા માટે આયોજનો ઘડી કાઢ્યા છે. જો કોઈ ગઠબંધનને બહુમતી ન મળે, તો દરેક અપક્ષનું સમર્થન નિર્ણાયક બની જાય છે, જે સ્થાપિત પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વે જોડાણ તોડવાની અને સરકાર બનાવવા માટે વિરુદ્ધ દિશામાં જવાની શક્યતાઓ પણ વધી જાય છે. સૂત્રોનું કહેવું છે કે મુંબઈની બે ફાઈવ સ્ટાર હોટલોને “બે સૌથી મોટી પાર્ટીઓ” દ્વારા તેમના લોકોને એકસાથે રાખવા માટે બુક કરવામાં આવી છે. બંને હોટેલો આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી ચેઇન્સ સાથે સંકળાયેલી છે, જેમાંથી એક કાલિનામાં અને બીજી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે.બંને ગઠબંધનમાંથી વિજેતા ઉમેદવારો તેમના પ્રમાણપત્રો એકત્રિત કરશે અને શક્ય તેટલી વહેલી તકે મુંબઈ દોડી જશે તેવી અપેક્ષા છે. એવી અપેક્ષા છે કે ત્રિશંકુ વિધાનસભાના કિસ્સામાં, ચાર્ટર્ડ ફ્લાઇટ્સ શનિવારે સાંજ અથવા રવિવાર સવારથી નાગપુરમાં ઉતરાણ કરવાનું શરૂ કરશે. મુંબઈમાં રવિવારથી ’રિસોર્ટ પોલિટિક્સ’ શરૂ થવા જઈ રહી છે, જેમાં ધારાસભ્યોને એક જગ્યાએ ભેગા કરીને મોનિટરિંગ કરવામાં આવશે.
નાગપુરના એક બીજેપી નેતાએ કહ્યું, “અમને બહુમતી મળવાનો વિશ્વાસ છે અને એમવીએ પણ એવું જ અનુભવે છે. કોઈ મોટી પાર્ટી, ખાસ કરીને રાષ્ટ્રીય પાર્ટી, હારવા માટે ચૂંટણી લડતી નથી. પરંતુ પરિણામો હંમેશા અપેક્ષા મુજબ આવતા નથી અને તે જ છે. એક સમય જ્યારે આપણે સંખ્યાઓ એકત્રિત કરવી પડશે.” ચંદ્રપુરના એક ટોચના બીજેપી નેતાએ કહ્યું કે મહાયુતિએ જીતવાની સંભાવના ધરાવતા 10 અપક્ષ ઉમેદવારો સાથે ચર્ચા શરૂ કરી છે.