અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે રવિવારે યોજાશે નેશનલ એક્ઝીક્યુટીવ મીટીંગ: ધ્વજારોહણ લોક ડાયરા સહિતના કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાનો ઉમટી પડશે
સર્વ સમસ્યાનો હલ ગીતમાં ભગવાને સુચવ્યો છે. આ ગીતાજીના વિચાર હર ઘરમાં પહોંચાડવા અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભાએ મહાયજ્ઞ આરંભ્યો છે. આ સબળ આગામી તા.11ને રવિવારના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે નેશનલ એક્ઝીક્યુટીવ મીટીંગ સાથે ધ્વજારોહણ અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા યાદવ મહાસભાના પ્રમુખ ગોવિંદભાઇ કાનગડ, વિજયભાઇ વાંક, નિલેશભાઇ જલુ, મુકેશભાઇ ચાવડા, વિપુલભાઇ માખેલા, હિતેષભાઇ આહિર, મયુરભાઇ આહિર વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.
તારીખ 11 સપ્ટેમ્બર-22ના રોજ દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજ વાડી ખાતે સૌ યદુવંશી વડીલો ભાઇઓ-બહેનોને દેશભરના યાદવ મહાનુભાવો સાથે ‘રાષ્ટ્રીય એક્ઝીક્યુટીવ મીટિંગ તેમજ ધ્વજા ચડાવવાની પરંપરા ગત વિધિમાં પધારવા આમંત્રણ છે.
આ શુભ પ્રસંગે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાની શતાબ્દી એટલે કે એની સ્થાપનને 100 વરસ પૂર્ણ થતાં આ સુવર્ણ જયંતિ નિમિતે દ્વારકા ખાતે રાષ્ટ્રીય એક્ઝીક્યુટીવ મિટીંગનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. કારણ કે આજથી બરાબર 100 વરસ પહેલા એટલે કે 1922માં આહીર-યાદવ સમાજના દૂરંદ્રષ્ટા મહાનુભાવોને, સામાજીક વિકાસના સંદર્ભે ‘ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા’ જેવા કોઇ ગઠબંધનનો વિચાર આવેલો કે જો સમાજ એકજૂટ હશે તો સામાજીક વિકાસના અનેક સ્તરે વિકાસશીલ કાર્યો થઇ શકશે. આવા વિકાસલક્ષી માધ્યમને ધ્યાને રાખીને પાયાની ઇંટના મંડાણ થયા હતા. સમયાંતરે સમાજમાં જાગૃતિ અને સંગઠનની ઉપયોગિતા, સમાજ આગેવાનો અને યુવાઓને સમજાતા સંગઠન દેશભરમાં પોતાની પાંખો ફેલાવી શક્યું.
જેમાં આહીર રેજિમેન્ટની માંગ સાથે વિધિવત એવમ અસરકાર રજૂઆતની સમીક્ષા કરાશે. ગૌપાલક વિશેના પ્રશ્ર્નો માટે વિચારણા અને વિવિધ જાણકારીઓ અપાશે. અસંખ્ય મીટીંગો મુલાકાતોના અંતે 1924માં તેઓએ ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા એટલે કે ગુજરાતીમાં લખીએ તો અખિલ ભારતીય યાદવ મહાસભાનું કાયદેસરનું વિધિવત રેજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે દેશભરમાં સાંસદો ધારાસભ્યોઓ, અધિકારીઓ, એઆઇ વાયએમ માં સહયોગી બની સંગઠનને મજબૂત બનાવી રહ્યા છે. આપણાં ગુજરાતનાં રાજકીય, સામાજિક, આગેવાનો પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. જેમાં સણભાઇ ગોવિંદભાઇ અને વિજયભાઇ યાદવ સમાજ સેતુ તરીકે સૌથી સક્રિય જણાયા છે.
લોકડાયરામાં રમઝટ બોલશે
દેવભૂમિ દ્વારકા ખાતે અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા યોજાનાર નેશનલ એક્ઝીક્યુટીવ મીટીંગ સાથોસાથ લોકડાયરો પણ યોજાનાર છે. તા.11ને રવિવારે સાંજે 4 કલાકે દ્વારિકાધિશ ધ્વજારોહણા અને રાત્રે નવ કલાકે લોકડાયરો યોજાશે. જેમાં લોક સાહિત્યકાર માયાભાઇ આહિર, કચ્છ કોહિનૂર દેવરાજભાઇ ગઢવી અને કાર્યક્રમ સંચાલક તરીકે મંગલભાઇ રાઠોડ શ્રોતાઓને મંત્રમુગ્ધા કરશે. કાર્યક્રમમાં આહિર સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજકીય, સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમનું ‘અબતક’ ચેનલ-સોશ્યલ મીડિયામાં લાઇવ પ્રસારણ
દ્વારકા ખાતે યાદવ મહાસભાની બેઠક, લોકડાયરો, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું ‘અબતક’ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.