- જૈન ધર્મમાં આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે
- મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ
- ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પર્વની શુભકામના પાઠવી છે
ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ થયો હતો. જૈન ધર્મમાં આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે મહાવીર જયંતિ આજે એટલે કે 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવી રહી છે. ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા. તેમણે ખૂબ જ નાની ઉંમરે પોતાનું શાહી જીવન છોડી દીધું અને સન્યાસ અપનાવ્યો હતો.
મહાવીર જયંતિનું મહત્વ
મહાવીર જયંતીના દિવસે જૈન ધર્મના લોકો પૂજા, ઉપવાસ અને સેવા કરે છે. મંદિરોમાં, ભગવાન મહાવીરની મૂર્તિનો અભિષેક અને શણગાર કરવામાં આવે છે. ત્યારપછી, રથ અથવા પાલખી શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં ભક્તો ભજન અને કીર્તન ગાય છે.
મહાવીર જયંતીના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકના પર્વની શુભકામના પાઠવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, કરૂણા અને અહિંસાના તત્વ ચિંતનને ભગવાન મહાવીર સ્વામીએ જીવન આચરણથી હંમેશા આત્મસાત કરાવ્યું છે. આ દિવસે જૈન ધર્મના પાયામાં રહેલા કરુણા અને અહિંસાના વ્રતોને આત્મસાત કરવાનો સંકલ્પ સૌ કોઈ લે તે જરૂરી છે.
મહાવીર સ્વામીએ પ્રબોધેલા કરૂણા, જીવદયા અને અહિંસાના માર્ગે ચાલીને સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ થઇએ એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જનકલ્યાણકની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે.