દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ તેઓ ધર્મ જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાર્થને કરે છે.
રાજા કૂશળ સ્વપ્ન પાઠકોને બોલાવી તેના અર્થને જાણે છે.
હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિર્ભય થઇને વિચરશે.
ઋષભ : આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષdય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
સિંહ : આ શુરવીર પુત્ર સિંહની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિર્ભય બનીને વિચરશે.
લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.
પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધર્મ સમજાવી તીર્થની સ્થાપના કરશે.
ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
સૂર્ય : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી,દીપક અને સૂર્ય સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.
ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.
કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.
પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.
ક્ષીર સમુદ્ર: હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.
દેવ વિમાન : સદ્દગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેક આત્માઓના સદ્દગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.
રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.
અગ્નિ: હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે.
સંકલન : મનોજ ડેલીવાળા
મો.98241 14439