મહાત્મા ગાંધી મ્યુઝિયમ, રામકૃષ્ણ આશ્રમ અને પ્રદ્યુુમન પાર્કની રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી
મહામહિમ રાજયપાલ આચાય દેવવ્રતજીએ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પૂ. બાપૂની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેઓ તથા તેમના ધર્મપત્ની દર્શનાદેવીએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ તકે મહામહિમ રાજયપાલ દેવવ્રતજીએ મ્યુઝિયમના પૂ. બાપૂના જીવન કવનને આવરી લેતા પ્રદર્શનને રસપૂર્વક નિહાળી તેમના જીવનદર્શન અને વિચારોની અનુભૂતી કરી હતી. રાજયપાલશ્રીએ પ્રદર્શનના વિવિધ ખંડોની મુલાકાત લઇ વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ સ્થિત મહાત્મા ગાંધીજીનું આ મ્યુઝિયમ અને તેમનું જીવન સદાસર્વદા પ્રેરણાદાયી બની રહેશે. આ તકે તેઓએ સર્વને પૂ. બાપૂની વિચારધારા આત્માસાત કરવાની શક્તિ આપે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી. આ તકે મેયર બીનાબેન આચાર્યએ મોમેન્ટો (ચરખાની પ્રતિકૃતિ) આપી રાજયપાલનું અભિવાદન કર્યુ હતું.
રાજયપાલએ આ સાથે રાજકોટ સ્થિત પ્રધ્યુમન પાર્કની મુલાકાત પણ લીધી હતી. રાજકોટના આંગણે પ્રકૃતિનું સાંનિધ્ય સાથે તેના વૈભવને તાદ્શ્ય કરતા આ પાર્કની મુલાકાત લઇ તેઓએ વિવિધ વન્યજીવો, પંખીઓને નિહાળી આનંદની લાગણી અનુભવી હતી. તેઓએ ઝુ સૂપિટેન્ડેન્ટ હિરપરા પાસેથી વન્યજીવોની વિશેષતા, તેમના જતન અને સંવર્ધનની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પ્રધ્યુમન પાર્કના ઝૂમાં વસતા વન્યપ્રાણીઓના રાખરખાવ તથા અન્ય રાજયોના પ્રાણી સંગ્રહાલયો સાથે આદાન પ્રદાનની રસપ્રદ માહિતી મેળવી હતી. આ તકે તેઓએ પ્રધ્યુમન પાર્કની સ્વચ્છતા અને ધનિષ્ઠ વૃક્ષારોપણ સાથે વન્યજીવોની જાળવણી અને સંવર્ધનની વ્યવસ્થાને નિહાળી સમગ્ર વ્યસ્થાપક ગણને બિરદાવ્યો હતો. આ તકે તેઓએ રામકૃષ્ણ આશ્રમની મુલાકાત પણ લીધી હતી. રામકૃષ્ણ આશ્રમના સ્વામિ નિખિલેશ્વરાનંદજીએ તેમનું પૂષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતુ. તેઓએ આશ્રમના પરિસર અને તેમાં રહેલા વિવિધ વિભાગોની મુલાકાત લઇ આનંદ વ્યકત કર્યો હતો તથા સ્વામિ વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણ પરમહંસને વંદન કરી ભાવવંદના કરી હતી.
આ પ્રસંગે કાર્યકારી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા, ડે. કમિશ્નરો સર્વ, નંદાણી, બી. જી. પ્રજાપતિ, એ. કે. સીંઘ, ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા, મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, રૂડાના કારોબારી અધિકારી ચેતન ગણાત્રા, ગાંધી મ્યુઝીયમના આસી. મેનેજર વિપુલભાઇ ઘોંણીયા સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.