મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ ના રોજ થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી તરીકે ઓળખવામાં છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંધીનો વ્યવસાય કરેલો નહીં, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા.
મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો.
ગાંધીજીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડમાંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.
હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયાં હતા.
મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા. સૌથી મોટો પુત્ર હરીલાલ હતો જેનો જન્મ સન ૧૮૮૮માં થયો હતો, ત્યાર બાદ મણીલાલ જેનો જન્મ સન ૧૮૯૨, ત્યારબાદ રામદાસ જેનો જન્મ સન ૧૮૯૭ અને સૌથી નાનો પુત્ર દેવદાસ હતો જેનો જન્મ સન ૧૯૦૦માં થયો હતો.
ગાંધીજી અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરિકેનું માન પામ્યા છે.