સામે આકાશમાં થૂંક ઉડાડવાં જેવું છે: ભરત પંડ્યા
ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ખાતે ડિબેટ પેનલના સભ્યોની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું.
પંડયાએ જણાવ્યુ હતુ કે, એક્ઝીટ પોલના પરિણામો એ લોકમન, લોકસમર્થન અને લોકમતનું પ્રતિબિંબ પાડી રહ્યા છે ત્યારે જનતા જનાર્દનનો ભાજપ હ્દયપૂર્વકનો આભાર માને છે. ભાજપાને આ એક્ઝીટ પોલના પરિણામો કરતા પણ વધુ બેઠકો મળવાની છે બાબત નિશ્ચિત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વ્યક્તિત્વ અને તેમની કાર્યશક્તિ, નિર્ણયશક્તિને દેશની જનતાને સ્વીકારી છે અને તેમનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રજાના જનાદેશમાં જોવા મળી રહ્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના કુશળ નેતૃત્વ અને સંગઠનાત્મક ચૂંટણી વ્યુહરચના તથા ૧૧ કરોડ સમર્પિત કાર્યકરોની અથાગ મહેનત, પ્રજાસાધના અને પ્રેરણાદાયી સીધા સંપર્કની ફલશ્રૂતિને પરિણામે કેન્દ્રની ભાજપા સરકારની તમામ લોકકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં સફળતા મળી છે.
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીએની સરકાર મળી રહી છે તે નિર્વિવાદ છે. કોંગ્રેસ માત્રને માત્ર નકારાત્મક પ્રચાર પર જ આધારિત હતી. ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે નકારાત્મક પ્રચારની રણનીતિ અપનાવી હતી, જેના જવાબમાં ગુજરાતની પ્રજાએ છઠ્ઠી વખત ભાજપાને સત્તાનું સુકાન સોંપી કોંગ્રેસના અપપ્રચારનો પરપોટો ફોડી નાખ્યો હતો. ભાજપાએ હંમેશા પોઝીટીવ કેમ્પેન જ હાથ ધર્યુ હતુ. ત્યારે કોંગ્રેસે ચોકીદાર ચોર હૈના નારા સાથે પ્રધાનમંત્રીને બદનામ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો .
પરંતુ દેશની સમગ્ર જનતાએ તેનો સ્વયંભૂ પ્રતિસાદ મૈં ભી ચૌકિદાર કેમ્પેન સ્વરૂપે આપ્યો હતો અને સમગ્ર દેશ ભાજપા તથા નરેન્દ્રભાઇ મોદીની પડખે ઉભો રહ્યો હતો. કોંગ્રેસના નેગેટીવ કેમ્પેઇનનો પ્રજાએ ક્યારેય સ્વીકાર કર્યો નથી. મહાત્મા ગાંધીજી અને ગોડસેના સંદર્ભે પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં પંડ્યાએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજી જેવા મહામાનવની ટીકા કરવી એ આકાશમાં સુરજની સામે થૂંક ઉડાવવા જેવું કૃત્ય છે.
મહાત્મા ગાંધીજીના જીવનને ટુંકી દ્રષ્ટિથી જોનારા કેટલાક લોકો તેમનો વિરોધ કરીને અપરિપક્વ અને નિંદનીય કૃત્ય કરી રહ્યા છે. ગાંધીજીના સત્ય, પ્રેમ અને અહિંસાના વિચારોને સમગ્ર દુનિયાએ સ્વીકાર્યા છે.સમગ્ર દેશમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઇ રહી હોય ત્યારે તેમના જીવનને વાંચવું અને સમજવું જોઇએ ત્યારે આ માટેની બાબતોને વાસ્તવિક રૂપ આપવાનું કાર્ય કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર કરી રહી છે.