આવતીકાલે, ‘અહિંસાકે સિને પે હિંસાને ગોલી ચલાઈ’ !
મહાત્મા ગાંધી જેને ‘હિન્દ’ કહેતા અનેજેને દોઢસો વર્ષ જૂની ગુલામીની જંજિરથી મૂકત કરાવવા ‘સત્ય’ અને અહિંસાના અપ્રતિમ તથા અભૂતપૂર્વ શસ્ત્રો વડે ઐતિહાસિક જંગ ખેલ્યો એમનો આવતીકાલે તા.૩૦મી જાન્યુઆરીએ નિર્વાણ દિન છે. કરોડો ગરીબો-દરિદ્રો અને દલિતોના મસીહા મહાત્મા ગાંધી જગવંદ્દ્ મહાપુરૂષ હતા. હજુયે છે અને અધ્નતાનંત રહેશે એવો પડઘો ગંગોત્રી જમુનોત્રી અને હિમગિરિ-હિમાલય સહિત માતૃભૂમિના ખૂણે ખૂણે ‘યાવત ચંદ્ર દિવા કરૌ’ પડઘાતો રહેશે.
આ મહાપુરૂષે ‘સત્ય’ અને અહિંસાને ભારતીય પ્રજાના ‘ઈષ્ટદેવ’ અને ‘આરાધ્યદેવ’ તરીકે ઓળખાવ્યા હતા. અને તેમના પોતાના જીવનને પણ સત્ય, અહિંસા અને સત્યાગ્રહના સિધ્ધાંતોને પૂરેપૂરી શ્રધ્ધા તેમજ દેવતાઈ તેજસ્વિતા સાથે છેલ્લા શ્વાસ સુધી સમર્પિત કર્યું હતુ. તા.૩૦ જાન્યુઆરીએ આ વિશ્વદ્દ્ મહાપુરૂષને આપણો દેશ ખોઈ બેઠા હતો.
રોજીંદી પ્રાર્થનાસભામાં જતી વખતે તેઓ હંમેશની જેમ બિરલાઘરની બહાર નીકળ્યા હતા હાલના નેતાઓની જેમ પોતાના રક્ષણ માટે સરકારી કે બિન સરકારી રક્ષકોને તેઓ સાથે રાખતા નહોતા. તેમની આવી પ્રાર્થના સર્વધર્મી જ રહી હતી.
કમનશીબે આ સુકલકડી દેહ ધરાવતા મહાત્માની લગોલગ નજીક જઈને તેમના ઉપર અચાનક ઉપરાઉપર બે ગોળીઓ વિંઝી હતી અને અતિ ક્રુર રીતે હત્યા કરી હતી. ‘હે રામ’ના આખરી ઉદ્ગાર સાથે તેઓ ઢળી પડયા હતા એક રાષ્ટ્રીય કવિએ એમ પણ લખ્યું કે, અહિંસા કે સિને પર હિંસાને ગોલી ચલાઈ.
એ કોમી દુર્ઘટના બાદ આપણો દેશ કયારેય હાલના કળિયુગમાં સતયુગનાં ચાંદા-સૂરત ઉગાડી શકયો નથી! ક્રમે ક્રમે રાજકારણીઓએ રાજકીય નૈતિકતાને નેવે મૂકી છે. અને ગાંધી યુગને મૃતપ્રાય: કરી દીધો છે.
ગાંધી વિચારધારાનું નિકંદન કાઢી નાખ્યું છે. સત્ય અને અહિંસાને બેહૂદી રીતે લુપ્ત કર્યા છે. દેશદાઝને દેશવટો આપી દીદો છે. રાષ્ટ્રીય સંસ્કારને અને રાષ્ટ્રીય સંસ્કૃતિને ચૂંથી નાખવામાં પાછું વાળીને જોયું નથી. રાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્ર, ધર્મક્ષેત્ર તથા સામાજીક રાજકીય ક્ષેત્રોને કલ્પનામાં ન આવે એવાં ગંધારા અને અસ્વચ્છ-અપવિત્ર કરી મૂકયાં છે.
ગંગા મૈયાને સાક્ષીરૂપ રાખીને સત્યને મેલું કરતા અને રાષ્ટ્રદ્રોહ કરીનેય ઉજળા દેખાતા ધૂર્તો, ઠગો તથા દગાબાજોને નામશેષ કરવાનું અભિયાન આરંભવાની ઘડી હવે આવી પહોચી છે.
સત્યને મેલું કરવાની માનસિકતાએ હવે માઝા મૂકી છે, અને એની વ્યાપકતા પણ સારી પેઠે વધી છે.
‘સત્ય’ને મેલું કરવું એટલે સત્ય ઉપર અસત્યના લપેડા કરવાં, ધાર્મિકતા ઉપર અધાર્મિકતાનાં લપેડા કરવા, ન્યાય ઉપર અન્યાયનાં પડળ ચડાવતાં, પવિત્રતા ઉપર અપવિત્રતાનો કાટ ચડવા દેવો અને રાષ્ટ્રીય ચારિત્ર્યની તેજસ્વિતાને ડાઘ લાગે એવી ચેષ્ટાઓ કરવી….
ગંગા તેનાં જળમાં માત્ર પૂણ્યસ્નાન કરવાનાં બદલામાં આખી દુનિયાના લોકોનાં પાપ ધોઈ પાખે છે, અને એમનાં દેહનામેલ કાઢી કાઢીને એમને સ્વચ્છ કરે છે.
ગંગાના નીરને મેલાં કરનારા દેશવાસીઓ અને વહિવટી તંત્ર હવે અબજો રૂપિયા ખર્ચીને એનાં મેલ કાઢવા મથે છે!
ગંગા અને હરદ્વાર તિર્થભૂમિ છે.
આમ તો, શાસ્ત્ર અનુસાર, સત્ય એ તિર્થ છે, ક્ષમા એ તિર્થ છે, ઈન્દ્રિયનિગ્રહ એ તિર્થ છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે ઋજુતા એ તિર્થ છે, સંતોષ પણ તિર્થ છે. બ્રહ્મચર્ય પરમ તિર્થ છે, જ્ઞાન એ તિર્થ છે, મધુર વચન બોલવાં એ તિર્થ છે. પૂણ્ય કર્મ એ તિર્થ છે, જ્ઞાન એ તિર્થ છે, ધીરજ એ તિર્થ છે અને વળી શુધ્ધ મન તેમજ નિર્મળ હૃદય એ તિર્થ છે.
જે તિર્થો ઉપર જણાવ્યા છે તેમાંની એકની પણ આંતરિક યાત્રા કરી શકીએ તોતે આપણો સત્યને મેલું કર્યા કરવાનો અંધાપો દૂર કરી શકે એ નિ:સંદેહ છે.
આપણા દેશના વર્તમાન રાજકીય રંગરાગની ચર્ચા કરતાં એવું લાગે છે કે, આપણે ત્યાં બધા જ ચિત્રવિચિત્ર કથાઓ કર્યા કરીએ છીએ.
રાજપુરૂષો કથાઓ કર્યા કરે છે.
ધર્માચાર્યો અને ધર્માત્માઓ કથાઓ કરવામાં નીપૂણ છે અને આશ્ચર્ય પમાડે એટલા ધનિકો બનીને મનગમતા વિશેષણો પામી રહ્યા છે. તેઓ ચંદ્રકો પામવાના તથા ચંદ્રકો આપવાના ઘાટ ઘડી શકે છે.
મહાજનો પણ કથાઓ કરવામાંથી નવરા પડતા નથી અને પ્રાચીન શાસ્ત્રોની ઉપરવટનાં પૃથકકર કરતા રહે છે. અને વિસંવાદીઓ સર્જતા રહે છે!
આપણા દેશની પ્રજાનો મોટો વર્ગ મજૂરી કરનાર માનવીનો છે, એ બેશક સાચુ અને સત્ય છે. કમસેકમ એને મેલું કરી શકાય તેમ નથી! બીજું મેલું ન કરી શકાય એવું સત્ય એ છે કે, આપણા સમાજમાં સાહિત્ય,સંસ્કૃતિ, કલા, ન્યાય અને શાબાશીનાં ચંદ્રકો વેચાઉ બની ગયા છે. માત્ર નામની રહી છે. બધે જ બાદશાહત પ્રવર્તે છે. રાજપુરૂષો અને અમલદારશાહીની શહેનશાહતે પ્રજાને ગરીબડી બનાવી છે. અને બરબાદ પણ કરી છે. આ બંનેનો ખાત્મો કર્યા વિના મહાત્મા ગાંધીની ‘રામરાજય’ની ખ્વાહિશ અધૂરી જ રહેશે.
ખરા અર્થમાં તો ‘સત્ય’ કદાપિ મેલું થઈ શકે નહિ. સત્ય ‘મૃત્યુ’ પણ ન પામે… આખું જગત વિશ્વનીક માતાઓના ટેકે ઉભુ છે. તેજ રીતે આખો માનવ સમાજ સત્યને ટેકે જ ઉભો રહે છે. એને મેલું કરવાની કળિયુગી ચેષ્ટાઓને ઉપર દર્શાવ્યું તેમ વિફળ બનાવવામાં જ ડહાપણ છે. એનાં વિના મહાત્મા ગાંધીની રામરાજય સર્જવાની ખ્વાહિશ અધૂરી જ રહેશે!
આપણી માતૃભૂમિને હજાર વર્ષ પછી મળેલા મહામાનવ મહાત્માને આપણે આપણા હાથે જ ખોયા… હવે બીજા ગાંધી જન્માવવાનું, ને બીજા ગાંધી ઘડવાનું કયારે શકય બનશે એ તો ‘શ્રી રામ’ જાણે !