ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા જવારજ ગામ માટે પોલીવસ્ત્ર અંબર ચરખાનું વિતરણ
ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે ગાંધી-મેઘાણી-ગીતોની હ્રદયસ્પર્શી રજૂઆત કરીને સહુને ડોલાવ્યા
ભગવાન મહાવીર મહાત્મા ગાંધીના સમન્વયના આગવા દર્શન સમા લોકસંત ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજીએ ગાંધી-વિચારો-મૂલ્યોથી પ્રેરિત થઈને ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ખેડૂત-ગોપાલકલક્ષી, ગ્રામ સ્વાવલંબન, ખાદી-ગ્રામોદ્યોગ, સ્વરોજગારી, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જગાવી હતી.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુનિ સંતબાલજી દ્વારા ૧૯૪૭માં સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ – ગુંદી આશ્રમ (તા. ધોળકા, જિ. અમદાવાદ) ખાતે મહાત્મા ગાંધી, મૂકસેવક રવિશંકર મહારાજ અને મુનિ સંતબાલજીના રેખાચિત્રો અને ઈતિહાસને આલેખતી તક્તીનું અનાવરણ થયું. ૩ બાય ૩ ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક તક્તીમાં સંસ્થાના સર્વપ્રથમ પ્રમુખ રવિશંકર મહારાજ, મંત્રી પરીક્ષિતભાઈ મજમુદાર તેમજ આજીવન સમર્પિત, સેવાભાવી અને સંનિષ્ઠ અગ્રણીઓ છોટુભાઈ મહેતા, કાશીબેન મહેતા, ગુલામ રસૂલ કુરેશી, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, દુલેરાય માટલિયા, ડો. શાંતિભાઈ પટેલ, મણિભાઈ પટેલ, મનુભાઈ પંડિતનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે.
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) દ્વારા જવારજ ગામ માટે ૨૫ પોલીવસ્ત્ર અંબર ચરખાનું વિતરણ કરાયું હતું. આ થકી ગ્રામ્ય વિસ્તારની આર્થિક-સામાજિક વંચિત બહેનોને સ્વરોજગારી પૂરી પાડવામાં આવશે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી, સહકારી ક્ષેત્ર-ખેડૂત આગેવાન, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના આજીવન સેવક અને પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ખાદી-કોર્ડીનેટર મયુદ્દીનભાઈ વડગામા, બોટાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સુપરવાઈઝર જયસુખભાઈ પરસાણા સહિત વિદ્યાર્થીઓની પણ મોટી સંખ્યાંમાં હાજરી રહી હતી.
લોકગાયક અભેસિંહ રાઠોડે ગાંધી-મેઘાણી-ગીતોની હ્રદયસ્પર્શી રજૂઆત કરીને સહુને ડોલાવી દીધા હતા. ૩૦ વર્ષથી ખાદી ક્ષેત્રે કાર્યરત ગોવિંદસંગ ડાભીએ ખાદી પહેરવા અને ખરીદવા માટે પ્રેરણા આપી હતી.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષ તથા જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષ (અહિંસા અમૃત વર્ષ) નિમિત્તે અહિંસા, સ્ત્રી ભ્રુણહત્યા વિરોધ, શાકાહારનો પ્રચાર, પશુબલિ નિવારણ જેવાં વિષય પર વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક નિબંધ-લેખન-વાંચન થયું હતું. વિશ્વભરમાં વસતાં કોઈપણ ધર્મ-સંપ્રદાયના દરેક વયના ભાવિકો ગુજરાતી ભાષામાં આ નિબંધ સ્પર્ધામાં ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ (ગાંધી નિર્વાણ દિન) સુધી ભાગ લઈ શકશે. ઉત્તમ કૃતિઓનાં સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. નિબંધ પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, ૯૦૩,કાન્હા, બિલેશ્વ્રર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ : ૩૮૦૦૧૫ (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)ના સરનામે મોકલી આપવા જણાવાયું છે.