મેઈન્ટેનન્સની કામગીરી માટે સપ્તાહમાં એક દિવસ મ્યુઝિયમ બંધ રાખવાનો નિર્ણય લેતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું બાળપણ જયાં વિતાવ્યું છે અને ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે મહાનગરપાલિકા દ્વારા ૨૬ કરોડના ખર્ચે વિશ્ર્વકક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. ગત રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમનું વિધીવત રીતે લોકાર્પણ પણ કરાયું છે ત્યારે મેઈન્ટેનન્સ સહિતની કામગીરી સબબ સપ્તાહમાં એક દિવસ સોમવારે આ મ્યુઝીયમ સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી મ્યુઝીયમના લોકાર્પણ બાદ સતત સહેલાણીઓનો ઘસારો વધી રહ્યો છે. મ્યુઝીયમમાં મેઈન્ટેનન્સ સહિતની કામગીરી માટે સપ્તાહમાં એક દિવસ એટલે કે દર સોમવારે મ્યુઝીયમ બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જયારે મ્યુઝીયમ બંધ રહેશે ત્યારે મેઈનટેન્સની કામગીરી જેવી કે સિવીલ વર્ક, ઈલેકટ્રીક વર્ક અને અન્ય રૂટીન કામ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકાર્પણના બે દિવસમાં જ હજારો લોકો ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ ચુકયા છે. મ્યુઝીયમમાં મોટા લોકો માટે એન્ટ્રી ટીકીટનો ભાવ રૂ.૨૫, બાળકો માટેની ટીકીટનો ભાવ રૂ.૧૦ નિયત કરવામાં આવ્યો છે. જયારે કેમેરો સાથે લઈ જનાર વ્યકિત પાસેથી વધારાના ૧૦૦ રૂ. વસુલ કરવામાં આવે છે.