ચાર લાખથી વધુ લોકોને એક જ સ્થળે મળશે તમામ આરોગ્યલક્ષી સુવિધા પૂ.મોરારીબાપુનાં હસ્તે ખાતમુહૂર્ત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે
શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (નિ:શુલ્ક હોસ્પિટલ) રાજુલાની ખાતમુહૂર્તવિધિ પૂ.મોરારીબાપુનાં હસ્તે થશે. પ્રમુખસ્થાને મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી રહેશે. રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીષ ડેરે ચુંટણી પહેલા પોતાના ૧૨ વિચાર લોકો સમક્ષ રજુ કર્યા હતા. તેમાનો એક વિચાર રાજુલામાં અપુરતી આરોગ્ય સેવાઓથી પરેશાની અનુભવતા રાજુલા, જાફરાબાદ અને ખાંભા શહેર અને તાલુકાનાં ગામોમાં વસતા ૪॥ લાખની માનવ વસ્તીને સ્પર્શતો આ મહત્વપૂર્ણ વિચાર હતો જે આગામી ૩ ઓકટોબરે સાકાર થવા જઈ રહ્યો છે.
પૂ.મોરારીબાપુની પાવનનિશ્રામાં તેમનાં વરદ હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનાં નવા બિલ્ડીંગની ખાતમુહૂર્ત વિધી સંપન્ન થશે અને આ કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શોભાવશે નવું જ બિલ્ડીંગ બની રહ્યું છે. તેમાં ૩૦ હજાર બાંધકામ ગ્રાઉન્ડ ફલોર અને સેક્ધડ ફલોર પર થવાનું છે જેમાં ૫૦ થી વધુ આધુનિક સુવિધા ધરાવતા રૂમો બનશે અને ૧૦૦ બેડની એક નવી આધુનિક હોસ્પિટલનું નિર્માણ થશે. જેમાં રાજુલા-જાફરાબાદ અને ખાંભા શહેર, તાલુકાનાં ૪॥ લાખની માનવ વસ્તીને નિ:શુલ્ક તમામ રોગોની સારવાર મળશે. આ નવનિર્માણ થવા જઈ રહેલી હોસ્પિટલનાં પાયાનાં પથ્થરસમા અંબરીષ ડેરે આ પત્રનાં પ્રતિનિધિ સાથેની એક ચર્ચામાં જણાવ્યું હતું કે, આ શુભ કાર્યમાં પૂ.મોરારીબાપુનાં આશીર્વાદ અમારી સાથે હતા અને રાજુલાનાં સપુત પૂર્વ રાજયનાં ચીફ સેક્રેટરી પી.કે.લહેરીનો સહયોગ હતો પછી તો પુછવાનું જ શું.
આ હોસ્પિટલનાં નિર્માણ માટે મુંબઈનાં અનિલભાઈ શેઠ, અજયભાઈ મહેતાનો સહયોગ મેળવ્યો અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર દ્વારા અહીં બનનારી હોસ્પિટલ માટે ભૂમિદાન મળતા અંબરીષ ડેરે સેવેલું સ્વપ્ન સાકાર થયું. તા.૩જી ઓકટોબરે રાજુલા ખાતે બનનારી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત થશે ત્યારબાદ યુદ્ધનાં ધોરણે બાંધકામ શરૂ થશે. કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, દિલીપભાઈ સંઘાણી, પુનમબેન માડમ, નારણભાઈ કાછડીયા, ભરતભાઈ ડાંગર, વાસણભાઈ આહિર, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), હીરાભાઈ સોલંકી સહિતનાં જિલ્લાભરનાં ધારાસભ્યો, પ્રદેશ કક્ષાનાં કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં આ શુભ દિને ઉપસ્થિત રહેવાના છે.
શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટવતી અનિલભાઈનંદલાલ મહેતા, પ્રવિણભાઈ લહેરી, અજયભાઈ મહેતા, હરેશભાઈ મહેતા, માયાભાઈ આહિર, બિપીનભાઈ લહેરી અને અંબરીષ ડેરે આ પાવન સેવાલક્ષી કાર્યક્રમમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા શહેર-તાલુકાનાં આગેવાનો અને આમ જનતાને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે.