સરકારમાં બેઠેલા કાચું કાપ્યે જાય છે અને પરિણામો ભોગવે છે આખો દેશ: સળગતી સમસ્યાઓને તાત્કાલિક ખીલે બાંધવાનું અનિવાર્ય ! નોઆખલીના ફિરસ્તા સમો છે કોઈ માઈનો પૂત ? ત્યાં સુધી હાહાકાર ‘ ભગવાન ગુજરાતને બચાવે !
આ અગાઉ કોઈએ એવી દુ:ખદ ટીકા કરી હતી કે, સરકારમાં બેઠેલાઓનાં ઉધામા ઉપર આખો દેશ ચાલે છે, એવા એક ઉધામાના પાપે અત્યારે આ દેશ ભડકે બળી રહ્યો છે…
નાગરિકતા-કાનૂનની આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. આસામથી શરૂ થયેલો હિંસક ભડકો અસંખ્ય પગલાં પછી પણ ઠરવાનું નામ લેતો નથી, ઉલ્ટું તે વકર્યે જાય છે. ને પરિસ્થિતિ વણસતી રહી છે. વિરોધની આગ લખનૌ, આગ્રા, કોલકત્તાને મુંબઈ સુધી વિસ્તરી ચૂકી છે.
નાગરિકતા કાનૂનથી કોઈએ પણ ડરવાની જરૂર નથી, એવી હૈયાધારણ વડાપ્રધાને ખૂદે કરવી પડી છે અને હિંસક ઘટનાઓને કમનશીબ ગણાવીને એને વખોડી પણ છે.
હિંસક વિરોધી દેખાવો રોકવા મોદી સરકારે સંબંધી રાજયોને આદેશ આપ્યો છે.
સોશિયલ મિડિયા પર હિંસા સંબંધી સમાચારો-અફવાને રોકવાનાં પગલાં લેવાનું જણાવાયું છે.
જામિયા-હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો છે. અને ભારે ઉત્તેજના વચ્ચે તંગ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
ઈન્ડીઆ ગેટ-દિલ્હી પાસે નાગરિકતા-કાનૂનના વિરોધમાં પ્રિયંકા ગાંધીએ ધરણા શરૂ કરી દીધા છે.
આ બધું એમ માનવા પ્રેરે છે કે, આ કાનૂન વિરોધી હિંસા તાત્કાલિક થાળે પડે તેમ નથી. કોઈ રાજકીય ચમત્કાર જ આ આગને ઠારી શકે તેમ છે !
સમીક્ષકો અને રાજકીય વર્તુળો એવી ટકોર કરી રહ્યા છે કે, સરકારમાં બેઠેલાઓનાં મનસ્વી ઉધામાઓ ઉપર અત્યારે આખો દેશ ચાલે છે. અને આવા એક ઉધામાનો ભોગ આખો દેશ બની રહ્યો છે.
આ આખીયે ઘટનામાં ઉંડા ઉતરતાં એવું જ ચિત્ર ઉપસે છે કે, કોઈ બાબતમાં સરકારમાં બેઠેલાઓ કશોજ લાંબો વિચાર કે પરામર્શ કર્યા વિના કાચુ કાપ્યા કરે છે ત્યારે આવી ભયાનક પરિસ્થિતિ પેદા થાય છે. નિરંકુશતા, આપખુદી, એકાધિકાર બાદ અને અહમ્ આવા નિર્ણયો માટે કારણભૂત બને છે. વિરોધ પ્રત્યે સંઘર્ષનું જ રાજકારણ ખેલવાની અને હરીફ પક્ષોના જૂના કે હમણાના નેતાઓને બૂરી રીતે નિંદવાની માનસિકતા પણ આવા બનાવોમાં કારણભૂત બને છે.
ગુજરાતમાં બિન સચિવાલય પરીક્ષામાં પણ સરકારમાં બેઠેલાઓએ કાચું કાપવાને કારણે અને એ એકલપેટા ઉધામાને અમલી બનાવી દેવાના પાપે આવો ઉકળતો ચરૂ સર્જાયો હતો અને હવે ગંભીર પરિસ્થિતિ જાગી છે.
ભરતીમાં ભવાડો થયાનું બહાર આવ્યું છે. અને બિન સચિવાલય પરીક્ષા રદ કરાઈ છે.
તપાસ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હતી.
આ બધું એવો સ્પષ્ટ ખ્યાલ આપે છે કે, સરકારમાં બેઠેલાઓનાં ‘ઉધામા’ અને તેનો અમલ ઘણીવાર વિકટ પરિસ્થિતિ સર્જે છે.
ઉપરની ઘટનાઓ ઓછી ગંભીર નથી જ…
આ બાબતમાં સરકારમાં બેઠેલાઓએ ધડો લેવો જોઈએ અને કોઈપણ મહત્વની બાબતોમાં પુખ્ત વિચાર વિમર્શ કર્યા વિના ઉતાવળે એને અમલી નહિ જ બનાવવા જોઈએ.
અત્રે એમ કહેવું જ પડે છે કે, જયાં સુધી ઉધામાઓનું રાજકારણ બંધ નહિ થાય ત્યાં સુધી આવા હિંસક ભડકાઓની સંભાવના દૂર નહિ થાય!
કસમયના ઉંબાડીયા સારા શાસનની છાપ ઉપસાવતા નથી એ વાત બોલવા જેવી નથી.