હેન્ડમેઈડ તોરણ, ડેકોરેટીવ આર્ટીકલ્સ, બેંગલ્સ, માટીની કારીગરી, ડિઝાઈનર બળદ ગાડુ સહિતની કલાકૃતિ નિહાળી શહેરીજનો અભીભુત
શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૫૨ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૨૭ સંસ્થાઓમાં ૧૭૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમનામાં રહેલી સુશુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે તા.૨૦ અને ૨૧ના રોજ વિભુષા હસ્તકલા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા હેન્ડીક્રાફટની વસ્તુઓ બનાવી હતી. આ પ્રદર્શન નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વસ્તુઓની ખરીદી કરી હતી.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન માં આનંદમયી ક્ધયા વિદ્યાલયની વિદ્યાર્થીની શુકલ કસક એ જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટ દ્વારા વિભૂષા હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમે અમારી રીતે હસ્તકલાની વસ્તુઓ બનાવી છે અને અહીંયા અમે તે વસ્તુઓ વેચીંએ છીએ. અમે લોકોએ બંગળી, ગળામાં પહેરવાના હાર, પગલુછણીયા, તોરણ, ઘરમાં શણગારવા માટેની વસ્તુઓ વગેરે બનાવેલ છે. વસ્તુઓ બનાવતા અમને ૩ કલાકથી વધુનો સમય લાગ્યો છે અને અમારું આ પ્રદર્શન નિહાળવા ઘણા લોકો આવે છે.
‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન લાલબહાદૂર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના જયંતિબેન ખાનવાણીએ જણાવ્યું હતું કે, હું ધોરણ ૧૧ અને ૧૨માં મનોવિજ્ઞાન વિષય ભણાવું છું, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની રાજકોટ આખામાં ૨૭ સંસ્થાઓ છે. આજે વિભૂષા હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે, દિકરીઓમાં રહેલી શુસુપ્ત શક્તિ બહાર આવે અને વેપાર કરતા શીખે અને આજના આ આધુનિક યુગમાં ખડેપગે પોતે પોતાની કમાણી કરી શકે તે માટે યોજવામાં આવ્યું છે.
સાથો સાથ ઈત્તર પ્રવૃતિઓમાં પણ તે ધ્યાન આપી શકે તે માટે અમારા ટ્રસ્ટના સંચાલક હેલીબેન ખુબજ કાર્ય કરી રહ્યાં છે. સાથો સાથ તેઓ અમને પણ તેટલી જ પ્રેરણા પુરી પાડે છે. આ પ્રદર્શનમાં અમારી સંસ્થાના ધો.૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. ૧૫૦૦ જેટલી વસ્તુઓ વિદ્યાર્થીઓએ બનાવી છે. માત્ર પ્રદર્શન માટે જ નહીં પરંતુ વેંચાણ માટે પણ બધી વસ્તુઓ મુકી છે. ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો અમારા આ પ્રદર્શન જોવા આવે છે અને વસ્તુની ખરીદી કરે છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન આર.એમ.છાંયા કન્યા વિદ્યાલયની મકવાણા ઉન્નતિએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ એ છે કે, અમે છોકરીઓ પોતાની જાતે પગભર થાય. વસ્તુઓનું કઈ રીતે વેંચાણ કરવું તે અમને પ્રદર્શનથી શિખવા મળશે. અમે ઉનની ઢીંગલી, આરતીની થાળી, ઉનના તોરણ, બંગળી સહિતની ઘણી વસ્તુઓ બનાવી છે. અમને અમારી સ્કૂલના શિક્ષકોનો ઘણો સર્પોટ મળ્યો છે. અમને નવી નવી વસ્તુઓ શિખવાડવામાં ઘણી મદદ કરી છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હેલીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી ટ્રસ્ટ સંચાલિત શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ વિભૂષા હસ્તકલા પ્રદર્શનનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓએ બનાવેલી હેન્ડી ક્રાફટની વસ્તુઓ, હસ્તકલાનો ઉદ્યોગ જે અમો શિખવાડીએ છીએ તે બનાવેલી વસ્તુઓ વેંચવા માટેનું પ્લેટફોર્મ મળે તેમનામાં વસ્તુઓ કઈ રીતે વેંચવી તેની સ્કીલ ડેવલોપ થાય અને સાથે અમારી વિદ્યાર્થીનીઓ સવનિર્ભર બને તે માટે અમે આયોજન કર્યું છે. અમારા ટ્રસ્ટની ૨૭ સંસ્થામાંથી ૯ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં અમને લોકોનો ખૂબ જ સારો સપોર્ટ મળે છે અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે.