કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ જોધપર નદી ગામના વેપારીને જીપીસીબીનું લાઇસન્સ અપાવાનું કહી 42 લાખ પડાવ્યા: અમદાવાદમાં નોંધાઇ ફરિયાદ
પીએમઓમા અધિકારી હોવાની શેખી મારી જમ્મુ કાશ્મીરમાં ઝેડ પલ્સ સુરક્ષા મેળવાનાર મહા ઠગ કિરણ પટેલ અને પત્ની માલિની વિરુદ્ધ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા વેપારીએ જીપીસીબીનું લાયસન્સ અપાવી દેવાના નામે 42 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની વધુ એક ફરિયાદ અમદાવાદ સોલા પોલીસ મથકમાં નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહા ઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરૂધ્ધ મોરબીના જોધપર નદી ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ બી.એન.બ્રધર્સ નામથી સિરામિક મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવી છેલ્લા અઢી વર્ષથી વેપાર કરે છે. સાથે જ બીજોટિક લાઇફ્ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ખારચિયા ખાતે કેમિકલની ફેક્ટરીમાં સ્લિપિંગ પાર્ટનર પણ છે. ગત વર્ષ 2017માં ભરતભાઈને કિરણ પટેલનો સંપર્ક થયો હતો. તે સમયે કીરણ પટેલે પોતે ક્લાસ 1 ઓફીસર અને સરકારમાં તેનુ સારૂ વર્ચસ્વ હોવાની વાત ભરતભાઈને કરી હતી.
જેથી ભરતભાઈએ બીજોટીક લાઈફ્ સાયન્સ પ્રા.લી નામની કંપની ચાલુ કરવી હોય અને તેના લાઇસન્સનું પ્રોસેસિંગ જીપીસીબી બોર્ડ ખાતે કરવાનું હોવાથી જલદી લાઇસન્સ આવી જાય તેની વાત કિરણ પટેલને કરી હતી. આથી કિરણ પટેલે ભરતભાઈને સોલા એચસીજી હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યા હતા.જ્યાં તેમની પત્ની માલિની પટેલ અને કિરણ પટેલે લાઇસન્સની તમામ પ્રોસિજર તથા ફી મળીને કુલ રૂ.40થી 45 લાખ માંગ્યા હતા. જેથી ભરતભાઈએ કિરણ અને તેની પત્નીને રોકડ રૂ.42.86 લાખ આપ્યા હતા. બાકીના પૈસા બે માસ પછી આપવાનું જણાવ્યું હતુ.
આ વાતને આઠ માસ થઈ ગયા છતાં લાઇસન્સ મળ્યું ન હોવાથી ભરતભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલને ફેન કર્યો હતો પરંતુ કોઈએ ફેન ઉપાડયો ન હતો. જેથી ભરતભાઈએ જીપીસીબી બોર્ડ ખાતે તપાસ કરી ત્યારે કિરણ કે માલિનીએ કોઈ પણ અરજી સબમીટ કરી ન હોવાની જાણ થઈ હતી. જેથી કિરણ પટેલ અને તેની પત્નીને ફેન કરીને પૈસા પરત માંગ્યા ત્યારે તેમણે રૂ.11.75 લાખ પરત આપ્યા હતા બાકીના રૂ.31.11 લાખ પરત ન આપીને ભરતભાઈ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.
આ મામલે સોલા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.