મેળો, પાલખીયાત્રા, શ્રૃંગાર દર્શન, મહાપુજા, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો અને લોક ડાયરો યોજાશે
રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં સોમ પીપળીયા ખાતે મહાસતી મીનળદેવી દ્વારા 15મી સદીમાં સ્થાપિત અને પવિત્ર ઘેલો નદીનાં કિનારે આવેલાં સુપ્રસિદ્ધ યાત્રાધામશ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “મહાશિવરાત્રી”નાં પાવન પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવેલું છે. મહાશિવરાત્રિ નિમિત્તે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં ભવ્યાતિભવ્ય “મહાશિવરાત્રી મેળો-2023” યોજાશે.
કાલે મહાશિવરાત્રીના દિવસે રોજ વિંછીયા તાલુકાના સોમપીપળીયાથી શ્રી ઘેલા સોમનાથ મંદિર સુધી દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા, ભગવાનનાં શૃંગાર દર્શન, મહાપુજા તથા મહાઆરતી સહીત રાત્રે 08.00 કલાકથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. ભજન, ભોજનનાં સમન્વય સાથે ભગવાન શિવની આરાધનાનાં આ અલૌકિક પ્રસંગમાં ધર્મપ્રેમી જાહેરજનતાને પધારવા અધ્યક્ષશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સંચાલિત શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ગૌ-શાળામાં આશરે 150 થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. ભારત દેશમાં આદિકાળથી ગાયને દૈવી સ્વરૂપ માનીને માતા તરીકે પૂજન કરવામાં આવે છે. ગૌ-રક્ષા એ હિંદુત્વનો મધ્યવર્તી વિચાર છે. આપણા વિવિધ પુરાણો અને શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે, ગૌ-માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે.
મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે અત્રેની ગૌ-શાળાનાં ગાયમાતાઓના ખોરાક, પાણી, દવા અને અન્ય જરૂરીયાતોને પહોંચી વળવા તથા ગૌ-રક્ષાના આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા માટે તમામ દાતા ઓને ગાયમાતા દત્તક લેવા શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
ગાયને દત્તક લેવા માટે તથા વધુ વિગતો માટે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ગૌ-શાળાનાં મેનેજરનો મો. નં. 9979924986 ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.