12 ફેબ્રુઆરી 1824 ના દિવસે કાઠીયાવાડના ટંકારા ગામે યશોદાબેન અને કરસનદાસ તિવારીને ત્યાં જન્મેલા મૂળશંકર, આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી કેવી રીતે બન્યા? માતા વૈષ્ણવ ધર્મને અને પિતા શિવજીને માનનારા હતા. પરંતુ, દયાનંદ સરસ્વતી “ઓરૂમ્” ને માનતા થયા. વેદોનું વાંચન અને સત્યની શોધમાં ફરનારા દયાનંદ સરસ્વતીના જીવનમાં મહાશિવરાત્રીનો દિવસ ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો.
19 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી આવી રહી છે. આપણા બધા પર્વ તહેવારો દિવસ ના હોય છે તો મહાશિવ “રાત્રી” કેમ કહેવાય છે? હિન્દુ પંચાંગ પ્રમાણે શિવરાત્રી દર મહિનાની વદ ચૌદસ એટલે કે અમાસની આગલી રાત્રે હોય છે. મહા મહિનાની વદ ચૌદશને મહાશિવરાત્રી કહેવાય છે. મહાશિવરાત્રીની રાત્રે ભગવાન શિવજી ના માતા પાર્વતી સાથે લગ્ન થયા હતા, તો કોઈક શાસ્ત્ર લખે છે કે આ રાત્રે શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી. મહાદેવને આદિ યોગી કહેવાય છે, તેથી મહાશિવરાત્રી તપ અને ધ્યાન કરવા માટે શ્રેષ્ઠ રાત્રી છે. કારણ કે વદ ચૌદશની રાત અંધારી રાત હોય છે અને દુનિયામાં સૌ પ્રથમ સર્વત્ર અંધારું જ હતું. ત્યારબાદ સૂર્યદેવ આવતા થોડા સમય માટે અજવાળું થાય છે, ફરી રાત થાય છે. ધાર્મિક પર્વમાં શ્રેષ્ઠ પર્વ મહાશિવરાત્રી કહેવાય છે, કે જેમાં રાત્રીનું મહત્વ છે.
મહાશિવરાત્રી પર્વ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ અને મહર્ષિ દયાનંદ સરસ્વતી વિશે પણ કોણ નથી જાણતું? આજે આપણે અહીંયા 19 ફેબ્રુઆરીએ આવતી મહાશિવરાત્રી અને ગયા અઠવાડિયે 12 ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મ જયંતી આ બંનેનાં સમન્વયથી કંઈક નવું જાણશું.દયાનંદ સરસ્વતી નું બાળપણ નું નામ મૂળશંકર હતું. તેમના પિતા કરસનદાસ શિવ ભક્ત હોવાથી તેમણે મૂળશંકર ને શિવરાત્રીનું વ્રત રહેવાનું કહ્યું. રાત્રે પિતાજી મૂળશંકર ને શિવ મંદિરમાં દર્શન કરવા લઈ ગયા, ત્યારે મૂળશંકરે શિવલિંગ પર ઉંદરોને ઉત્પાત મચાવતા જોયા. જેથી મૂળશંકરે વિચાર્યું કે આ ભગવાન શંકર નથી, જેની કથા તે પોતે સાંભળતો હતો. આ વિચારમાં ને વિચારમાં મૂળશંકર મંદિરેથી ઘરે જાય છે, પરંતુ શંકર ભગવાનને જોવાની તેમજ સાચા શિવને જાણવાની જિજ્ઞાસા વધતી જાય છે.ત્યારબાદ મૂળશંકરની નાની બહેન અને કાકા મૃત્યુ પામે છે. તેમના જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને છે કે તે જીવ અને શિવ ના ભેદ પામવાનાં ભરપૂર પ્રયાસ કરે છે, અંતે તેઓ ઘરનો ત્યાગ કરીને સત્યની શોધમાં નીકળી પડે છે.
ઘણું ભટક્યા પછી વિરજાનંદ નામના ગુરુ તેમને મળે છે. તેમની પાસે દીક્ષા લઈને દયાનંદ સરસ્વતી નામ મેળવે છે. વેદ વેદાંગનું શિક્ષણ મેળવીને ગુરુ દક્ષિણા આપવાનું કહેતા, ગુરુએ વિદ્યા ને સફળ કરી દેખાડવા, પરોપકાર કરવાનું અને સર્વત્ર વૈદિક ધર્મનો પ્રચાર કરવાનું કહે છે. વૈચારિક આંદોલનથી વિધવા વિવાહ, સતી પ્રથા, બાળ લગ્ન જેવા કુરિવાજો નો વિરોધ કરીને મહર્ષિ દયાનંદ સરસ્વતી મહાન સમાજ સુધારક બને છે.10 એપ્રિલ 1875 માં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજનો સિદ્ધાંત “કૃણવન્તો વિશ્વમાર્યમ્” જેનો અર્થ છે, વિશ્વને આર્ય (શ્રેષ્ઠ) બનાવતા જાવ. આર્ય સમાજનું મિશન આ ધરતી પરથી ગરીબી, અન્યાય અને અજ્ઞાન હટાવવાનું અને બધા લોકોને વેદનું જ્ઞાન આપવાનું હતું.
અત્યારે આપણા દેશમાં સનાતન ધર્મની વાતો ખૂબ ચાલે છે. પરંતુ 1876 માં વસ્તી ગણતરી સમયે મહર્ષિ એ આગ્રા થી દેશના દરેક આર્ય સમાજોને સુચના આપી હતી કે દરેક સદસ્ય પોતાનો ધર્મ “સનાતન ધર્મ” લખે.ભારતમાં પ્રથમ ગૌશાળા ની શરૂઆત મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કરી હતી, તેમજ પ્રથમ હિન્દુ અનાથાલયની સ્થાપના પણ મહર્ષિ દ્વારા જ કરવામાં આવી હતી. પોતાના વિચારોને વ્યવસ્થામાં જોડીને સંસ્થાઓને જન્મ આપનાર આ મહાન સમાજ સુધારક અંતે શત્રુઓ દ્વારા હત્યાનો ભોગ બન્યા હતા.આમ મહાશિવરાત્રી ની રાત્રે બનેલી આ નાની એવી લાગતી ઘટના તેમના મહાન વિચારોનું પ્રદર્શન કરે છે. શિવલિંગ પરના ઉંદરના દ્રશ્ય જોઈ ને વિચારોના વંટોળમાં પોતાના જીવનનું સ્વરૂપ બદલી નાખે છે. આ છે મહાપુરુષોની પહેચાન.