ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી આજે ભવનાથ મંદિરે દર્શન-પૂજન કરશે: લાખો ભાવિકોએ મેળાનો લ્હાવો લીધો
જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રી મેળામાં ત્રણ દિવસો દરમિયાનના 11 લાખથી વધુ ભાવિકોએ મેળાનો લ્હાવો લીધા બાદ આજે રવેડીના દર્શન અને સંતોના શાહી સ્નાન સાથે મધરાતે મેળાનું સમાપન થશે. મેળાના અંતિમ દિવસે આજે ગૃહ રાજ્યમંત્રી શિવરાત્રી મેળા ખાતે પહોંચશે અને ભવનાથ મંદિરે દર્શન અને પૂજન કરશે. આ સાથે આજે સવારે 10 વાગ્યાથી તમામ વાહનોને મેળામાં નો એન્ટ્રી કરી દેવામાં આવી છે.
જૂનાગઢના ભવનાથ ખાતે મહાવદ નોમથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો. ત્યારે ગઈકાલે મેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ભવનાથ ખાતે ઉમટયું હતું અને.પ્રથમ બે દિવસમાં 4 લાખ લોકોએ મેળાનો લહાવો લીધા બાદ ગઈકાલે 7 લાખ જેટલા ભાવિકો ભવનાથની ગીરી તળેટીમાં પહોંચ્યા હતા. જેને લઈને ભવનાથ તળેટીમાં પગ મુકવાની જગ્યા ન હતી. જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામન જોવા મળી રહ્યો હતો. ભવનાથ મંદિર ખાતે દર્શન માટે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તો ચગડોળ અને રાઈડમાં બેસવા માટે લોકોને કલાકો સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું હતું.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે બંધ રહેલા શિવરાત્રી મેળા બાદ આ વર્ષે વિક્રમ સર્જક સંખ્યામાં શિવરાત્રી મેળાને લોકોએ મન ભરીને માણ્યો હતો. પ્રથમ ત્રણ દિવસ દરમિયાન 11 લાખ જેટલા ભાવિકોએ આ મેળાનો લાભ લીધો હતો. જો કે, પોલીસ તંત્રની ટ્રાફિક નિયમન તથા સુરક્ષાની સજળ વ્યવસ્થાને કારણે કોઈ અનિચ્છનીય બનાવો બનવા પામ્યો ન હતો. તે સાથે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે સફાઈ, પાણી સહિતની સુચારુ વ્યવસ્થાને કારણે મેળો માણવા જેવો બન્યો હતો. તો બીજી બાજુ નાના મોટા લગભગ 400 જેટલા ઉતારા મંડળ અને અનશેત્રોમાં લાખો ભાવિકોને ભોજન અને રહેવા તથા આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
તે સાથે આ વર્ષે ભારત ભરનાં સાધુ, સંતો, મહંતો, નાગા બાવાઓ સાથે વિદેશથી પણ સંતો મહંતો અને સાધુઓ આ મેળામાં પહોંચ્યા હતા અને ધુણો ધખાવી જપ, તપ, આરાધના અને તપશ્ચર્યા આદરી હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
દરમિયાન આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ બે તિથિઓ સાથે આવતી હોવાથી મેળો પાંચ દિવસના બદલે ચાર દિવસ માટે યોજાયો હતો. ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસે ભવનાથ મંદિરમાં ભક્તિ સભર ઉજવણી ચાલી રહી છે. વહેલી સવારથી મંદિરમાં આરતી, પૂજન, દર્શન યોજવામાં આવી રહ્યા છે. દરમિયાન આજે ભવનાથ ક્ષેત્રમાં જુના અખાડા થી લગભગ ત્રણ કિલોમીટરના રૂટ ઉપર નીકળનારી રવેડીમા પંચ દશનામ જૂના અખાડાના દત્તાત્રેય ભગવાન, આહવાન અખાડાના ગણેશજી અને અગ્નિ અખાડાના વેદમાતા ગાયત્રી માતાજીની પાલખી નીકળશે. જે પાલખી યાત્રા રવેડીના રૂટ પર ફરશે.
આ રવેડીમાં શણગારેલા ઘોડા, ગાડી, રથની સાથે મહામંડલેશ્વર અને ભવનાથ ક્ષેત્રના મહંત તથા સંતો અને નાગાબાવાઓ જોડાશે. અને રવેડીમાં નાગા સાધુઓ અંગકસરતોના કરતબો પ્રદર્શિત કરશે. ભવનાથના મેળાના મુખ્ય આકર્ષણ રૂપ આ રવેડીને જોવા દેશ વિદેશથી અનેક ભક્તો ભવનાથ ખાતે પહોંચ્યા છે. અને આજે સાંજે નીકળનારી આ રવેડીના દર્શન કરવા આજે બપોરથી જ લાખો ભાવિકો રૂટની બંને બાજુ બેસી જશે. અને રાત્રિના સમયે આ રવેડી ભવનાથ ક્ષેત્રમાં ફરી આજે મધરાત્રિના 12 વાગ્યે ભવનાથ મંદિર ખાતે પહોંચશે ત્યારે આ રવેડીમાં સામેલ સાધુ સંતો મહંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે અને ત્યારબાદ ભવનાથ મંદિરે મહા આરતી થશે અને બમ બમ બોલે હર હર મહાદેવનાના જય ઘોષ સાથે આ વર્ષની મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થશે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી આજે જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે. અને જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર નવનિર્મિત એસ ઓ જી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. તથા પીટીસી મેદાન ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. આ બાદ તેઓ ભવનાથના શિવરાત્રી મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ભગવાન ભવનાથ દાદાનું પૂજન અર્ચન કરી વિવિધ આશ્રમોની મુલાકાત લઈ સાંજે રવાના થશે. જેને લઈને ગઈકાલે રેન્જ આઈ.જી મયંકસિંહ ચાવડાએ મેળાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત અંગે સૂચનો કર્યા હતા.