બે વર્ષ બાદ ફરી ગીરનારની તળેટીમાં ભજન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ જામશે

અબતક,દશર્ન જોશી, જૂનાગઢ

અંતે ભજન, ભક્તિ ભોજનના ત્રિવેણી સંગમ સમા ભવનાથના જગ વિખ્યાત શિવરાત્રી મેળો યોજવા સરકારે લીલી ઝંડી આપી દેતા, આગામી તા. 25 ફેબ્રુઆરીના સવારે સાડા નવ કલાકે “હર હર મહાદેવ”, “જય જય ગિરનારી” ના નાદ અને ધ્વજા સ્થાપના સાથે મેળાનો પ્રારંભ થશે અને 1 માર્ચની મધ્ય રાત્રિએ રવાડી બાદ સંતો, મહંતો, દિગંબરના શાહી સ્નાન સાથે મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે,

ભવનાથનો મહાશિવરાત્રી મેળો યોજવો તેવું નક્કી થતા મેળાના આયોજન અંગે ગઈકાલે કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમા જૂનાગઢ જિલ્લા સમાહર્તા  રચિત રાજે  જણાવ્યુ હતું કે, આ વર્ષે લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમા શિવરાત્રી મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે મહા વદ નોમથી યોજાનાર શિવરાત્રી મેળાને  શ્રેષ્ઠ બનાવવામાં આવશે. શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વેઠવી ન પડે તે માટે વહિવટીતંત્ર કટીબદ્ધ છે. તે ઉપરાંત મેળામાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર,  ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ  કોટેચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, સંતો-મહંતોમાં ઇન્દ્રભારતી બાપુ, અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, ભારતી આશ્રમના મહંત હરીગીરી બાપુ, શૈલજા દેવી, અગ્રણીમાં પુનિત શર્મા, શૈલેષ દવે, યોગેન્દ્રસિંહ પઢિયાર, બટુક મકવાણા તથા ઉતારા મંડળ તરફથી ભાવેશ વેકરિયા, જાદવભાઇ કાકડિયા તથા વિવિધ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના સંચાલકો તેમજ મ્યુ.કમિશનર રાજેશ તન્ના, અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયા, ડીસીએફ સુનિલ બેરવાલ, નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરી, જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા સહિતના અધિકારીઓ, સંતો-મહંતો અને આગેવાનો  બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

શિવરાત્રી મેળાના માટે 13 સમિતિની રચના

બે વર્ષે પછી આ વખતે શિવરાત્રી મેળો યોજાનાર છે. લાખો લોકોની આસ્થા સમાં શિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. ત્યારે મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે 13  સમિતિની રચનાઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સંકલન સમીતી, મેળા સ્થળ આયોજન સમીતી, જાહેર સલામતી તથા ટ્રાફીક નિયંત્રણ સમીતી, ઇલેકટ્રીક લાઇટ અને સાઉન્ડ સમીતી, આમંત્રણ સ્વાગત અને પ્રોટોકોલ સમીતી, સાંસ્કૃતિક કાર્યક્રમ સમીતી, પાણી પુરવઠા સમીતી, સફાઇ તેમજ ડ્રેનેજ સમીતી, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમીતી, સંદેશા વ્યવહાર તથા પ્રચાર પ્રસાર સમીતી, પ્રકાશન સમીતી, આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમીતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમીતીની રચના કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.