રવેડી અને શાહીસ્નાનથી વાતાવરણ બન્યુ ભક્તિમય
જૂનાગઢના ભવનાથ ખાતે ગઇકાલે શિવરાત્રી મેળામાં શ્રધ્ધાળુ-ભાવિકોનાં હર હર મહાદેવના નાદ સાથે શિવમય બની ચૂકેલા નાગા સાધુઓની રવેડીના અને શાહી સ્નાન સાથે ભવનાથના પરંપરાગત શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો. આ મેળાને લગભગ છ થી સાત લાખ લોકોએ મન ભરીને માણ્યો હતો.
ગઇકાલે શુક્રવાર અને પાવન, પવિત્ર શિવરાત્રીનો મહામૂલો પર્વ હોય અને આ મેળા સાથે શિવરાત્રીનું ભારે મહત્ત્વ હોય ત્યારે ભાવિકજનો ગતરાત્રીથી જ શિવરાત્રી મેળાની રવેડી અને શાહી સ્નાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યારે સવારથી જ અસ્ખલિત માનવ પ્રવાહ ભવનાથ તરફ આવી રહ્યો હતો. ત્યારે પોલીસ તંત્ર દ્વારા બપોરથી જ તમામ પ્રકારના વાહનો માટે ભવનાથમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. અને બપોરના ૩ વાગ્યાથી જે રૂટ ઉપર રવેડી પસાર થવાની હતી તે માર્ગની બન્ને સાઈડમાં બેરક લગાડી દેવામાં આવી હતી
ભવનાથમાં રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જુના દશનામી પંથ-અખાડાથી દિગંબર સાધુઓ સાથેની રવેડી પ્રારંભ થયો હતો. આ રવેડીમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હતી, તે ઉપરાંત અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના માતા ગાયત્રીજીની પાલખી સાથે આ રાવેડી ભવનાથ શેત્રમાં વિહરી હતી ત્યારે લાખો ભાવિકોએ તેના નત મસ્તક દર્શન કરી, ધન્યતા અનુભવી હતી.
આ રવેડીમાં અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના શિષ્યો સાથે રથમાં બિરાજી જોડાયા હતા. તો દિગંબર સાધુઓએ ભાલા, તલવાર, ત્રિશુલ તથા પટાબાજીનાં ખેલ અને લાઠી(લાકડી)નાં હેરતભર્યા પ્રયોગો અલગારી મસ્તીમાં પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્ર મુગધ કરી દીધા હતા.જ્યારે વ્યંઢળ અખાડા ને વખતે પ્રથમ વખત રવેડીમાં અને શાહી સ્નાનમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ નંદગીરીજીની અધ્યક્ષતામાં વ્યંઢળ અખાડા પણ જોડાયું હતું.
આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડ પાસે પહોંચ્યું હતું. ત્યાર બાદ સાાાધુ, સંતો અને મહંતોએ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા પછી મેળાનો વિરામ થવા પાામીયો હતો.આ સરઘસમાં એક લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. અને કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે.
- કલેક્ટર અને મ્યુ. કમિ.નાં માર્ગદર્શન હેઠળ તંત્રની સરાહનીય કામગીરી
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર અને લાગતાં વળગતા તંત્રની કામગીરી ખૂબ જ સરાહનીય રહેવા પામી હતી, જ્યારે મનપા કમિશનર તુષાર સુમેરાની સતત દેખરેખ નીચે મનપાના તમામ શાખા અધિકારીઓએ રાત, દિવસ એક કરી લોકો માટે સુંદર વ્યવસ્થા કરવામાં કોઈ જ કચાશ છોડી ન હતી.
- એસપી સૌરભ સિંઘે ગોઠવેલા ચૂસ્ત બંદોબસ્તથી મેળો શાંતીપૂર્ણ મહોત્સવ સંપન્ન થયો
જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના સીધા માર્ગદર્શન તથા આદેશ અનુસાર ૨ આઇ.પી.એસ. અધિકારી, ૯ ડી.વાય.એસ.પી. સહિત લગભગ ૩૦૦૦ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ લોકોની સુરક્ષા અને સલામતી માટેની પુરી ખેવના કરી ફરજ બજાવતા લાખો લોકોએ મેળો નિર્ભય બની માણી શક્યા હતા.
- ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના વિજેતાએ રવાડીના માર્ગ પર ૮૦૦ કિલો ગુલાબ પાથર્યા
ગિરનાર શિવરાત્રીનાં મેળામાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સૈાથી ઓછા સમયમાં ગીરનારનાં પગથીયાને હંફાવનાર સાગર કટારીયાએ શિવરાત્રી પર્વે સેવાની અનેરી વાત કરી હતી. સાગર કહે છે કે ગિરનાર એ તો આરાધ્ય છે. અહીં જેટલી સેવા થાય તે કરવી જ જોઇએ. શિવરાત્રી પર્વે સંતો, ભગવંતો અને મહામુનીઓનાં ચરણમાં પુષ્પ પાંખડીતો સૈા અર્પણ કરે પણ સાગર કટારીયાએ તો ૮૦૦ કીલો ગુલાબની પાંખડીઓ સમગ્ર શાહી રવાડીનાં માર્ગ પર બીછાવીને સંતોને પોતાની સેવા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.