માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઇ મોદી, પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિતના મહાનુભાવો મહાઆરતીમાં સહભાગી થયા: કલાકાર કિર્તીદાન ગઢવીએ ભગવાન સોમનાથ મહાદેવનું સ્તુતિગાન કર્યું
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
યાત્રાધામ સોમનાથ મંદિરના સમુદ્રકિનારે માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવ અને દરિયાદેવની અગિયારસો દીવડા અને મસાલ સાથે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને તેમના સંગીત વૃંદ સાથે ભગવાન સોમનાથ મહાદેવની સ્તુતિની સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરી હતી. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે પ્રાસંગિક વક્તવ્ય કરી સરકારની સાંસ્કૃતિક વિરાસતની ઉજાગર કરવાની કામગીરીને બિરદાવી હતી.
આ સાથે સમુદ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવને અનુલક્ષીને 75 બોટના માધ્યમથી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.
પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પુર્ણેશભાઇ મોદીએ સોમનાથ સમુદ્રદર્શન વોક-વે ખાતે દરિયાદેવની તેમજ સોમનાથ મંદિરની મહા આરતી કરી હતી.
આ તકે મંત્રી મોદીએ જણાવ્યું કે, વિશ્વ નેતા અને ભારતના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થનો કાયાકલ્પ થયો છે. સોમનાથ મહાદેવના ચરણોમાં કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં બનાવાયેલ સમુદ્ર દર્શન પથ આજે સરકારની દીર્ઘદ્રષ્ટિનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ જોવા મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના યાત્રાધામોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ પુરી પાડીને તીર્થ પ્રવાસનને વેગવંતુ બનાવ્યું છે. વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડતું સોમનાથ સર્કિટ હાઉસએ સરકારના સુશાસનનું પ્રતીક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તીર્થના કાયાકલ્પ માટે અનેકવિધ વિકાસાત્મક કાર્યો પ્રભાસ તીર્થમાં કર્યા છે.
આ મહાઆરતી બાદ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સહિતના મહાનભાવોએ સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
આ પ્રસંગે સંગઠનના પદાધિકારીઓ ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય જશાભાઇ બારડ, રાજશીભાઇ જોટવા, પિયુષભાઈ ફોફંડી તેમજ માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, આદિત્ય ગઢવી, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, કિંજલ રાજપ્રિય જેવા નામાંકિત કલાકારો ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી (સુંદર મામા) અને તન્મય વેકરિયા (બાઘા ) ઉપસ્થિત રહ્યા હતા.