કોંગ્રેસને હવે સમજાયું કે તે હાંસિયામાં ધકેલાઈ ગયું, માટે હવે એકલા લડવાનો નિર્ણય લીધો : બીજી તરફ ભાજપથી શિવસેના છૂટું પડ્યા બાદ હવે એનસીપી પણ તેને નિર્બળ બનાવવાની ફિરાકમાં 

અબતક, મુંબઈ : ભારતીય રાજકારણના એપી સેન્ટર મહારાષ્ટ્ર રહ્યું છે. હવે આ મહારાષ્ટ્રમાં કોના ભોગે મહા-વિકાસ થશે તે પ્રશ્ન સર્જાયો છે. કોંગ્રેસને હવે સમજાયું છે કે તે હાંસિયામાં ધકેલાઈ ગયું છે માટે હવે એકલા લડવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ભાજપથી શિવસેના છૂટું પડ્યા બાદ હવે એનસીપી પણ તેને નિર્બળ બનાવવાની ફિરાકમાં છે. આમ મહારાષ્ટ્રના રાજકારણમાં ચાર પાર્ટીઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પુરજોશમાં પ્રયાસો કરી રહી છે.

દેશમાં મહારાષ્ટ્રના રાજકારણનું ખૂબ જ મહત્વ રહ્યું છે.આઝાદી હોય કે બ્રિટિશકાળ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રનું રાજકારણ એક આગવી ભાત પાડનારું અને ક્રાંતિકારી મિજાજ માટે ઇતિહાસમાં અનેક વાર નોંધ પામ્યો છે. મહારાષ્ટ્રની સ્થાનિક રાજકારણ હવે વિધાનસભાની સાથેસાથે લોકસભાની ચુંટણીમાં કેવા સમીકરણો સર્જશે તેના પર દેશભરના રાજકારણની મીટ મંડાઇ છે.

મહારાષ્ટ્રમાં બાલ ઠાકરેના સિધ્ધા વારસદાર ઉદ્વવ ઠાકરેની સરકાર આગામી દિવસોમાં કેવી મજબૂત બની રહેશે તે સવાલ ઉભો થયો છે. મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના, ભાજપ, એન.સી.પી.ના અલગ-અલગ ઉભા થયેલાં ચોકા દેશના રાજકારણમાં પણ અસરકારક પરિમાણ ઉભા કરે તેવું દેખાઇ રહ્યું છે. શિવસેનાની જ્યાં સુધી વાત કરીએ તો બાલ ઠાકરેના હિન્દુવાદના બળથી શિવસેનાએ ઉભા કરેલા દબદબાના દિવસો હવે લાંબો સમય ચાલશે કે કેમ ? ઉદ્વવ ઠાકરે સરકાર રચવામાં સફળ થયાં પણ પિતાની જેમ એક રંગ રાખવામાં ક્યાંકને ક્યાંક ઉણા ઉતર્યા છે. ભાજપ સાથે વર્ષોની વફાદારીને વધુ મજબૂત બનાવવાને બદલે ઉદ્વવે ક્યાંકને ક્યાંક ચૂંક ખાધી હોય તેમ ભાજપે પણ

શિવસેનાના જૂના સાથની ગરીમા જાણવીને અનેક વખત સંબંધો સુધારવાની તક આપી પણ હવે સેના આત્મવિશ્ર્વાસના અતિરેકથી ભાજપ સાથે તાલમેલ જાળવી શકી નથી.

સેના અને ભાજપ વચ્ચે ઉભી થયેલી પરિસ્થિતિમાં હવે એન.સી.પી. અને કોંગ્રેસ પણ પોતાની સેફ સાઇડ જોવા લાગી છે, શરદ પવારને પણ હવે મહારાષ્ટ્રની મમત લાગી હોય તેમ એન.સી.પી.એ અલગ ચોકો ઉભો કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ માટે એન.સી.પી. શિવસેના સામે વિકલ્પ બની શકે તેમ છે પરંતુ શરદ પવારે એવુ નિવેદન આપ્યું કે પોતે રાષ્ટ્રપતિની રેસમાં નથી. આ સંદેશો ભાજપ માટે પરોક્ષ રીતે પવારે આપી દીધો છે. એન.સી.પી. ભાજપ ભેગા થાય તો શરદ પવાર

માટે રાષ્ટ્રપતિ પદનો સિરપાવ આપવાની ભાજપની પરોક્ષ તૈયારી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ મહારાષ્ટ્રમાં એકલે હાથે ચુંટણી લડી લેવાની જાહેરાત કરી,એન.સી.પી અને કોંગ્રેસ કે આપના ગઠબંધનનો છેદ ઉડાડી દીધો છે, હવે શિવસેના ભાજપ સાથે બેસી શકે તેમ નથી. તાજેતરમાં જ કેન્દ્રીય મંડળના વિસ્તરણપૂર્વે ભાજપે સેનાને સાચવી લેવાનો સંકેત આપ્યો હતો પણ તેના અક્કડ વલણમાં કંઇક ફેરફાર થયો ન હતો.હવે ભાજપે આપેલી તક સેનાથી ચુંકાઇ ગઇ છે અને ભાજપ હવે તેના માટે સોફ્ટ કોર્નર ન રાખે તો જ નવાઇ નહીં થાય.

સેનાનો મરાઠાવાદી અભિગમ નુકશાનકારક? 

શિવસેનાનો અભિગમ તેના સ્થાપના કાળથી જ મરાઠાવાદી રહ્યો છે. કોઈ એક સમાજ તરફનો અભિગમ કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીને ભારે પડી શકે છે. ત્યારે શું શિવસેનાને પણ મરાઠાવાદી અભિગમ ભારે પડશે ? તેવો સો મણનો સવાલ સર્જાયો છે. પાકિસ્તાનમાં જ્યાં મુસ્લિમોની જ વસ્તી છે. ત્યાં મુસ્લિમ લિગ સરકાર બનાવી શકી નથી તે કોઈ એક સમાજવાદી વલણની નિષ્ફળતાનું મોટું ઉદાહરણ છે.

મહાવિકાસ અઘાડી સરકારનું રિમોટ કન્ટ્રોલ શરદ પવારના હાથમાં? 

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ એવું નિવેદન આપ્યું છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારનું રિમોટ કન્ટ્રોલ શરદ પવારના હાથમાં છે. જો કે અગાઉથી જ નાના પટોલેના શાબ્દિક બાણોથી શરદ પવાર ભડકયા હતા. જેના પગલે કોંગ્રેસે તેને મનાવવાના પ્રયાસો ચાલુ કરી દીધા હતા. હજુ તો આ પ્રયાસો ચાલી રહ્યા હતા.ત્યાં જ નાના પટોલેએ વધુ એક શાબ્દિક તીર છોડી દેતા રાજકારણ ગરમાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.