આ બિલને ગેરબંધારણીય અને કોમી ઈરાદાવાળુ ગણાવીને મુંબઈના આઈજીપી અબ્દુર રહેમાનની રાજીનામું આપવાની જાહેરાત
દેશમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૪ પહેલાથી શરણ લઈ રહેલા બિન મુસ્લિમ વિદેશી શરણાર્થીઓને ભારતીય નાગરીકતા આપવાની જોગવાઈ કરતા નાગરિકતા સુધારા બિલને ગઈકાલે રાજયપાલ દ્વારા પણ બહુમતિથી મંજૂરી આપવામાં આવી છે. બંને ગૃહોમાં આ બિલને મંજૂરી મળી જતા ટુંક સમયમાં આ કાયદો અમલમાં આવનારો છે. આ કાયદા સામે વિપક્ષો બાદ અધિકારી વર્ગમાં પણ વિરોધ ઉભો થવા પામ્યો છે. નાગરિકતા સુધારા બિલને ગેરબંધારણીય અને કોમી ઈરાદાથી પ્રેરિત ગણાવીને મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી અબ્દુર રહેમાને ગઈકાલે રાજીનામું આપી દીધું છે.
મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારી અને મુંબઈના વિશેષ પોલીસ મહાનિરીક્ષક અબ્દુર રહેમાને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. રહેમાને ટવિટ કરીને જણાવ્યું હતુ કે આ ખરડો ભારતની ધાર્મિક વિવિધતાની વિરૂધ્ધ છે હું બધા ન્યાયપ્રિય લોકોને અનુરોધ કરું છું કે તેઓ લોકશાહી રીતે આ બિલનો વિરોધ કરે. આ બિલ સંવિધાનની મૂળ ભાવનાની વિરૂધ્ધ છે. તેઓએ ગુરૂવારથી ઓફીસ ન જવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી અબ્દર રહેમાને ગત ઓકટોબર મહિનામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે અરજી કરી હતી જો કે તેમની અરજીને ગૃહમંત્રાલય દ્વારા સ્વિકારવામાં આવી ન હતી. જેથી હવે તેમને આ બિલના વિરોધને મૂદો બનાવીને રાજીનામું આપી દીધું હોવાનું મહારાષ્ટ્ર પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.