મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના લીધે લોકડાઉન લગાડવામાં આવ્યું છે. પેહલા આ પ્રતિબંધનો સમયગાળો 30 એપ્રિલ સુધીનો હતો પણ ચેપનું પ્રમાણ વધતું જોઈને રાજ્યમાં હજી 15 દિવસ માટે લોકડાઉન રહેશે. બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેબિનેટના તમામ સભ્યો એકતા સાથે લોકડાઉન વધારવા સંમત થયા હતા.
કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું કે, ‘એવું લાગે છે કે રાજ્યમાં Covid-19ની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં સ્થિર થઈ ગઈ છે પરંતુ તમામ સભ્યોએ આ પ્રતિબંધો વધારવાનું સમર્થન કર્યું છે. તેથી લોકડાઉન 15 દિવસ સુધી વધારવામાં આવશે.’
મહારાષ્ટ્ર સરકારે વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને 4 એપ્રિલથી સાપ્તાહિક લોકડાઉન અને એના થોડા દિવસો પછી 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે ખાનગી ઓફિસો, સલૂન, થિયેટરો બંધ કરવા સહિતના અનેક નિયંત્રણો લાદ્યા છે. હાલમાં કરિયાણા, શાકભાજીની દુકાનો અને ડેરીઓને સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ફક્ત ચાર કલાક માટે જ ખોલવાની છૂટ છે જ્યારે રાત્રિના 8 વાગ્યા સુધી હોમ ડીલેવરીની સુવિધા ચાલુ રહશે.