શિવસેના અને એનસીપીએ સંયુક્તપણે કર્યું આહવાન: આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
મહારાષ્ટ્ર મહાવિકાસ આઘાડી સરકારના ત્રણ પક્ષો એટલે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે બંધ પહેલા કહ્યું હતું કે બંધને સફળ બનાવવા માટે ત્રણેય પક્ષોના નેતાઓ અને કાર્યકરો તેમના પૂર્ણ પ્રયાસો કરશે.
કોંગ્રેસ પ્રવક્તા સચિન સાવંતે કહ્યું કે, કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિઓથી લોકોને જાગૃત કરવાની જરૂર છે. આ સંઘર્ષમાં ખેડૂતો એકલા નથી અને તેમની સાથે એકતા બતાવવાની પ્રક્રિયા મહારાષ્ટ્રથી શરૂ થવી જોઈએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી બંધ મધ્યરાત્રિથી શરૂ થયો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકરો નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં જોડાવા અને ખેડૂતો સાથે એકતા બતાવવા વિનંતી કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર બંધ દરમિયાન આવશ્યક સેવાઓને અસર નહીં થાય. જેવી કે,હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. રેલવે સેવા પર કોઈ અસર થશે નહીં. લોકલ ટ્રેનો ચાલુ રહેશે, પરંતુ રેલ રોકો આંદોલનને કારણે કેટલીક જગ્યાએ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. કરિયાણા, ફળ અને શાકભાજીની દુકાનો, દૂધ અને બેકરીની દુકાનો બંધ રહેશે નહીં. બંધ દરમિયાન સરકારી અને ખાનગી કચેરીઓ ખુલશે. શાળાઓ ખુલશે, પરંતુ બસ અને ટેક્સી સેવાઓ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પર અસર પડી શકે છે.
માહિતી અનુસાર, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કૃષિ પેદાશોના બજારોમાં કામ બંધ રહેશે. કૃષિ ઉપજ મંડી વેપારી એસોસિએશને પણ રાજ્યના ખેડૂતોને વિનંતી કરી છે. કૃષિ પેદાશો સાથે મંડીઓમાં ન આવો. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે દુકાનદારોને સાંજે ૪ વાગ્યા સુધી બંધમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે. આ પહેલા એસોસિએશને બંધમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો.
બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સિવાય એસઆરપીએફની ત્રણ કંપનીઓ, હોમગાર્ડના ૫૦૦ જવાન અને સ્થાનિક સશસ્ત્ર એકમોના ૪૦૦ જવાનો પહેલેથી જ નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે તૈનાત છે.
શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે બંધને સફળ બનાવવા માટે શિવસૈનિકો સંપૂર્ણ તાકાત સાથે રસ્તા પર ઉતરશે. તેમણે મુંબઈના વેપારીઓને અપીલ કરી છે કે દેશના ખેડૂતો અન્નદાતા હોય છે, તેમની સામે થઈ રહેલા જુલમ અને અત્યાચારના વિરોધમાં બંધ રાખવામાં આવ્યું છે. દરેકે ખુલ્લા દિલથી આ બંધનું સ્વાગત કરવું જોઈએ. તેઓએ કહ્યું કે લખીમપુર ખીરીની ઘટના ખેડૂતો પર સીધો હુમલો છે અને આ હુમલાનો વિરોધ કરવો દરેક નાગરિકની ફરજ છે.