LG કંપનીને 26 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી
દેશભરમાં 100 થી વધુ સ્થળોએ યોજાયેલા રક્તદાન કેમ્પમાં હજારો લોકોએ કર્યું રક્તદાન
LG કંપનીને 26 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં 100 શહેરમાં100 થી વધુ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અબતક મીડિયા, LG કંપની, કિરણ ટેલિવિઝન , એડન ઇલેક્ટ્રોનિકસ અને વિજય ઇલેક્ટ્રોનિકસ ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું.રાજકોટ શહેરમાં રેડક્રોસ બ્લડ બેંક ખાતે યોજાયેલ આ કેમ્પમાં ઇલેક્ટ્રોનિકસ ની દુનિયાના માંધાતાઓ અને કર્મીઓએ રક્તદાન કર્યું હતું તેમજ અન્ય લોકોને રક્તદાન કરવા આહવાન કર્યું હતું.
નિયમિત રક્તદાનના અનેક ફાયદા,રક્તદાન અવશ્ય કરો
નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે હ્રદય એકદમ સ્વસ્થ રહે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે નવી રક્ત કોશિકાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.
દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવું પડે છે
દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. એવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવ બચાવવા માટે ચડાવવામાં આવે છે. માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી. તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો જ ઉપયોગ થાય છે.
કોણ નથી કરી શકતું રક્તદાન?
- જો તમે એન્ટિબાયોટિક જેવી કોઈ દવા લો છો.
- તમે તાજેતરમાં તમારા શરીર પર ટેટૂ કરાવ્યું છે.
- ઓરી, અછબડા, દાદર વગેરે જેવા કોઈપણ પ્રકારનું રસીકરણ કરાવ્યું હોય.
- શારીરિક રીતે નબળા લોકો રક્તદાન કરી શકતા નથી.
- ગંભીર બીમારીથી પીડિત વ્યક્તિ પણ રક્ત દાન કરી શકતી નથી.
- ડાયાબિટીસના દર્દીઓએ પણ રક્તદાન ન કરવું જોઈએ.
- જો તમે સ્તનપાન કરાવો છો, તો રક્તદાન કરશો નહીં.
- 18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધોએ રક્તદાન ન કરવું જોઈએ.
- ધૂમ્રપાન, દારૂનું વધુ પડતું સેવન કરતા લોકોએ રક્તદાન ન કરવું જોઈએ.
રક્તદાન કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
- તમે જે દિવસે રક્તદાન કરવા માંગો છો તે દિવસ પહેલા રાત્રે પૂરતી ઊંઘ લો.
- સ્વસ્થ ભોજન કર્યા પછી જ રક્તદાન કરવા જાઓ.
- ચરબીયુક્ત ખોરાક, જંક ફૂડ, આઈસ્ક્રીમ, ફ્રાઈસ, બર્ગર વગેરે ખાધા પછી રક્તદાન કરવા ન જાવ.
- રક્તદાન કરતા પહેલા, પૂરતું પાણી પીઓ.
- જો તમે કોઈ દવા લો છો, તો તમારે રક્તદાન કરતા પહેલા તેના વિશે જાણ કરવી જોઈએ.
- જો તમારે પ્લેટલેટ્સનું દાન કરવું હોય અને તમે એસ્પિરિન લો છો, તો દાન કરતાં બે દિવસ પહેલાં આ દવા લેવાનું બંધ કરો.
- ટી-શર્ટ અથવા ઢીલા કપડા પહેરીને રક્તદાનના સ્થળે જાઓ, જેથી શર્ટની સ્લીવ સરળતાથી ઉંચી કરી શકાય.