વિધાનસભા ચૂંટણીના પરીણામો પહેલા ‘અંદાજીત પરિણામો’ આપવા માટે અનેક સંસ્થાઓ દ્વારા ઓપિનિયન પોલના તૂકકા લગાવવામાં આવ્યા છે. ‘નરો વા કુંજરો વા’ના ધોરણે ઓપિનિયન પોલના રિઝલ્ટ જાહેર થયા છે. જોકે આ રિઝલ્ટ હકિકતથી ઘણા દૂર હોવાનું જણાઈ આવે છે વર્ષ ૧૯૯૫ થી ૨૦૧૨ સુધીના ભાજપ અને કોંગ્રેસના વોટ શેરની ગણતરી પરથી અંદાજ આવે છે કે વોટ શેર ઘટતા ભાજપને એકંદરે ફાયદો થતો આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની રસપ્રદ ચૂંટણીમાં પ્રથમ તબકકાની ૮૯ બેઠકો માટે આજે મતદાન જોરશોરથી થઈ રહ્યું છે. વહેલી સવારથી જ લોકો મતદાન મથકોએ ઉમટી પડયા છે. આજે ૮૯ બેઠકો પર કુલ ૯૭૭ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે. જો કે પરિણામ શું આવશે તેનો અંદાજ ભૂતકાળના આંકડા તપાસીને સમજી શકાય છે. વર્ષ ૧૯૯૫માં ગુજરાત વિધાનસભામાં ૬૪.૩૯ ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપનો વોટ શેર ૪૨.૫૧ ટકા હતો અને ૧૨૨ બેઠકો ભાજપને મળી હતી. જયારે કોંગ્રેસનો વોટ શેર ૩૨.૬૬ ટકા હતો અને ૪૫ બેઠકો મળી હતી. ત્યારબાદ ૧૯૯૮માં કુલ મતદાન ૫૯.૩૦ ટકા હતું. આ મતદાન તેની પહેલાની ચૂંટણી કરતા ઘટી ગયું હતું. જો કે, ભાજપનો વોટ શેર વધીને ૪૪.૮૧ ટકા સુધી પહોંચ્યો હતો. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે બેઠકો ૫ ઘટી ગઈ હતી અને ૧૧૭ બેઠકો આ ચૂંટણીમાં મળી હતી. જયારે કોંગ્રેસનો વોટ શેર ૩૨.૨૮ ટકા સુધી રહ્યો હતો છતાં ૮ બેઠકો વધી હતી.
હવે વર્ષ ૨૦૦૨ વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની ટકાવારીનો અભિયાન કર્યે તો વધુ આશ્ર્ચર્યજનક આંકડા સામે આવે છે. ૨૦૦૨માં કુલ મતદાન ૬૧.૫૪ ટકા થયું હતું જે ૧૯૯૮ કરતા ૨ ટકા સુધી વધુ હતું. ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ૪૯.૮૫ ટકા હતો. ૧૯૯૮ કરતા વોટ શેર ૫ ટકા વધુ રહ્યો હતો અને બેઠકો ૧૦ વધુ મળી હતી. બીજી તરફ કોંગ્રેસનો વોટ શેર પણ ૭ ટકા સુધી વધ્યો હતો અને બેઠકો ઘટી ગઈ હતી ! ૨૦૦૨ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધવા પાછળ તોફાનો તેમજ ભૂકંપ બાદ સરકારે કરેલી કામગીરી જવાબદાર હોવાનું કહેવાય છે.
વર્ષ ૨૦૦૭માં થયેલા મતદાનની ટકાવારીનું પૃથ્થકરણ કરીએ તો જણાય આવે કે, તે વિધાનસભા ચૂંટણીમાં કુલ મતદાન ૫૯.૭૭ ટકા હતું. જેમાં ભાજપનો વોટ શેર ૪૯.૧૨ ટકા રહ્યો હતો જે ૨૦૦૨ કરતા ઓછો હતો. બેઠક પણ ૨૦૦૨ કરતા ૧૦ ઓછી મળી હતી. ૨૦૦૭માં કોંગ્રેસનો વોટ શેર ૩૯.૬૧ ટકા રહ્યો હતો જે અગાઉની ચૂંટણી કરતા વધુ હતો. જયારે બેઠક ૫૯ એટલે કે, ૮ વધુ મળી હતી. ૨૦૦૭માં સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યાં હતા. આ વિધાનના કારણે ચૂંટણીનો માહોલ એકાએક પલટાઈ ગયો હતો.
વર્ષ ૨૦૧૨માં ઐતિહાસિક ૭૧.૩૨ ટકા મતદાન થયું હતું. ભાજપને ૪૮.૩૦ ટકા મત મળ્યા હતા અને ૧૧૫ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો હતો. જયારે કોંગ્રેસને ૪૦.૫૯ ટકા મત મળ્યા હતા અને તેનો ૬૧ બેઠક પર વિજય થયો હતો. આ વર્ષમાં ઈવીએમના આગમન સાથે યુવાનોનો ઉત્સાહ પણ મતદાનની ટકાવારી વધારવા માટે જવાબદાર બન્યો હતો. ૨૦૧૨માં ભાજપને ૨૦૦૭ની સરખામણીએ ૧ ટકા જેટલો મત શેર ઓછો મળ્યો હતો છતાં બેઠકો માત્ર ૨ ઘટી હતી. જયારે કોંગ્રેસને ૨ બેઠકો વધુ મળી હતી. એકંદરે વોટ શેર ઘટવા અને વધવાના ગણીતમાં ભારે અસમંજસતા જોવા મળી છે.
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ઓપીનીયન પોલના અનેક તુકા લગાવવામાં આવ્યા છે. જો કે, મતની ટકાવારીની પેટર્ન નિષ્ણાંતોની સમજની બહાર રહે છે તે ખૂબજ રસપ્રદ છે. અત્યારના વર્તારા મુજબ કોંગ્રેસે ૪૦ ટકા જેટલો વોટ શેર મળી શકે છે. ૨૦૦૨માં પણ કોંગ્રેસને ૪૦ ટકા જેટલા મત મળ્યા હતા. માટે જો આંકડા તપાસીએ તો જણાય આવે કે, આ વખતે કોંગ્રેસનો વોટ શેર તો તેની બેઠકો વધશે પરંતુ જો યથાવત રહેશે તો બેઠકોનું નુકશાન જશે.
૧૯૯૫ થી ૨૦૧૨ સુધી ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. માટે વોટ શેર કપાતા હતા. આ વખતે જંગ માત્ર બે પક્ષો વચ્ચેનો જ છે. ઓપીનીયન પોલમાં થયેલી ગણતરી મુજબ ૧૭ ટકાના વોટ શેરને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. આ ૧૭ ટકાનો વોટ શેર કયાં જશે તેની ચોખવટ કરવામાં આવી નથી. આ ડેટા જાણી જોઈને જાહેર કરાયા ન હોવાનું લાગી રહ્યું છે. જો કોંગ્રેસનો વોટ શેર યથાવત રહે અને ભાજપનો ઘટી જાય તો વર્તારા પ્રમાણે ૧૭ ટકા વોટ શેરનું ગાબડુ પડે છે.
ઓપીનીયન પોલના આંકડા લેવા અને જાહેર કરવા પાછળ સંસ્થાઓ ‘ચિતભી તેરી ઔર પટ ભી મેરી’ જેવો રસ્તો અખત્યાર કરે છે. સંસ્થાઓના આંકડા વાસ્તવિકતાથી દૂર છે. ૧૭ ટકા જેટલો મત શેર જાણી જોઈને નજરઅંદાજ કરાયો છે. ઓપીનીયન પોલમાં અગાઉની વોટીંગ પેટર્ન પણ સમજવામાં આવી નથી. આ ઉપરાંત અન્ય પરિબળોની પણ અવગણના થઈ છે.
વર્ષ ૧૯૯૫ની સરખામણીએ વર્ષ ૧૯૯૮માં ભાજપના વોટ શેરમાં ૨.૩ ટકા ઘટાડો થયો હતો. છતાં ભાજપને પાંચ બેઠક ઓછી મળી હતી. બીજી તરફ કોંગ્રેસનો વોટ શેર ૨.૬ ટકા સુધી વધ્યો હતો અને બેઠકો ૮ વધુ મળી હતી. આવી જ રીતે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં પણ પરિણામોમાં ભાજપનો વોટ શેર વધ્યો હતો પરંતુ બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. જયારે કોંગ્રેસનો વોટ શેર વધતા તેની બેઠકો વધી હતી. અલબત દર વખતે અન્ય પરિબળો પણ પરિણામો પર અસરકર્તા હતા.
આ વખતે ઈવીએમ-વીવીપેટ જેવા અત્યાધુનિક ઉપકરણોના કારણે લોકોનો વિશ્ર્વાસ ચુંટણી વ્યવસ્થા ઉપર વધ્યો છે. પરિણામે મતદાન ઉંચુ જવાની અપેક્ષા છે. જેથી બન્ને પક્ષો વોટ શેર વધશે. ઉપરાંત આ વખતે ગત વિધાસભાની જેમ ત્રીજો પક્ષ પણ નથી માટે મત શેર વધશે તે સંભાવના છે. અલબત કોંગ્રેસનો વોટશેર વધશે તો પણ સરકાર ભાજપની જ રચાય તેવી શકયતા છે. ઓપીનિયન પોલમાં ભાજપ અને કોંગ્રેસ વખતે ૧૭ ટકાના વોટશેરનો ડીફરન્સ જણાઈ રહ્યો છે માટે સંસ્થાઓએ કયા પ્રકારે આ ગણતરી કરી છે તેના ઉપર શંકા ઉપજે છે. આ ચૂંટણીમાં યુવા વર્ગનો ઉત્સાહ પણ વધુ છે. એકંદરે ભાજપનો વોટ શેર વધતા તે ૧૫૦ નજીક પહોંચી શકે છે.
ઓપિનિયન પોલના આંકડા અને ૩૦ હજાર કરોડનો સટ્ટો
વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉપર મસમોટો સટ્ટો રમાઈ રહ્યો છે. અંદાજે ૩૦ હજાર કરોડ ‚પિયા બન્ને પક્ષો કેટલી બેઠકો મેળવશે તેના ઉપર લાગ્યા છે. ઓપિનિયન પોલ કરોડોના સટ્ટા ઉપર સીધી અસર કરતા હોય છે. પોલમાં જાહેર કરેલા આંકડા મુજબ બેઠક પર લગાવેલી રકમમાં ચડ-ઉતર થતી હોય છે.