વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 546ના પ્રાગટ્ય નિમિતે
શ્રી વલ્લભના જયઘોષ સાથે શ્રીનાથધામ હવેલીથી હાથી ઘોડા, બેન્ડબાજા, ધ્વજા, વેશભૂષા, ચરિત્રના વિવિધ ફ્લોટ્સ સાથે પ્રસ્થાન કરી માર્ગ પર અદ્ભૂત આકર્ષણ જમાવશે
જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 546 માં પ્રાદુર્ભાવ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે રાજકોટમાં શ્રીનાથધામ હવેલી ખાતે આગામી તારીખ 16 એપ્રિલ રવિવારના રોજ વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રીવ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય રાજકોટના આંગણે સર્વપ્રથમવાર શોભાયાત્રા (પદયાત્રા)નું ભવ્ય આયોજન કરવામાં આવશે.
ભારતીય સંસ્કૃતિના સંરક્ષક પુષ્ટિ પ્રવર્તક અખંડ ભુમંડલાચાર્ય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે રાજકોટમાં સર્વ પ્રથમવાર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા (પદયાત્રા)નું આયોજન થશે. આ પદયાત્રામાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાવિકજનો સાથે પોતે ચાલીને આ શોભાયાત્રામાં જોડાશે.
શ્રીમહાપ્રભુજીનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ બગીમાં બિરાજમાન થશે. આ સાથે હાથી ઘોડા, બેન્ડબાજા, ધ્વજા પતાકા, ડંકા નિશાન, વેશભૂષા, શ્રીમહાપ્રભુજીના ચરિત્રના વિવિધ ફ્લોટ્સ, ઢોલ નગારા સાથે આ અભૂતપૂર્વ અવર્ણનીય શોભાયાત્રા શ્રીવલ્લભના જય ઘોષ સાથે શ્રીનાથધામ હવેલીથી પ્રસ્થાન કરી શ્યામલ ચાર રસ્તા થઈ હરિદ્વાર હાઇટ્સ પાસે થઈ શાંતિવન વાળા રોડ ઉપરથી અંબામાતા મંદિર પાસે થઈ મોદી સ્કૂલ પાસેથી પસાર થઈ અને અમૃત હોસ્પિટલ, કોપર હાઇટ્સ થઈ ને વીવાયઓ રોડ ઉપર થઈ ફરી શ્રીનાથધામ હવેલી ખાતે પહોંચશે.
આ શોભાયાત્રા રાજકોટના માર્ગ ઉપર અદભુત આકર્ષણ જમાવશે સાથે સાથે આ શોભાયાત્રાનું અલગ-અલગ સામાજિક અગ્રણીઓ મહાનુભાવો તેમજ અલગ અલગ વિસ્તાર તેમજ સ્થળના ભાવિકજનો દ્વારા ભવ્ય સ્વાગત તેમજ પદયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે.
રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં સૌ ભાવિક વૈષ્ણવો શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવમાં જોડાશે, આ દિવ્ય ભવ્ય શોભાયાત્રામાં સહપરિવાર સંમિલીત થવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આ પદયાત્રામાં જોડાવા માટે નિ:શુલ્ક બસ વ્યવસ્થાનું આયોજન કરેલ છે. તેમજ શ્રીનાથધામ હવેલી ખાતે શયનમાં રાત્રે 8:00 વાગે શ્રીપ્રભુ સુખાર્થે કમલ સાગરમાં કમલ વિતાનના સુંદર મનોરથ દર્શન થશે. ત્યારે શ્રીમહાપ્રભુજી ઉત્સવ પ્રસંગે 16 એપ્રિલ 2023 ને રવિવારના રોજ પૂજ્ય શ્રી દ્વારા સવારે બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવશે.
આ સમગ્ર આયોજનના સ્વાગત અધ્યક્ષ મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ), અશોકભાઈ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી ભારત વીવાયઓ), જગદીશભાઈ કોટડીયા (ફાલ્કન ગ્રુપ), તેમજ મુખ્ય સંયોજક તરીકે હિતેશભાઈ ગોંઢા, તેમજ સહસંયોજક જયેશભાઈ વાછાણી, પાર્થભાઈ કનેરિયા, જ્યોતિબેન ટીલવા, મીતભાઈ શાહ, અતુલભાઇ મારડિયા, વિજયભાઈ સેંજલીયા, ગોપીભાઈ પટેલ, કમલેશભાઈ ડઢાણીયા, હસમુખભાઈ રાણપરા તથા રાજીવભાઈ ઘેલાણી સહીત મોટી સંખ્યામાં વીવાયઓ રાજકોટના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ સમગ્ર આયોજનને સુંદર રીતે સાકાર કરવા સેવા આપી રહ્યા છે.