છેલ્લા ચાર સપ્તાહથી રોગચાળાના આંકડા જ જાહેર કર્યા નથી: મ્યુનિ.કમિશનર સુધી પહોંચતી ફરિયાદ
ચોમાસાના પ્રારંભે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. દવાખાનાઓમાં દર્દીઓને ભીડ જોવા મળી રહી છે. આવામાં શહેરમાં આરોગ્યલક્ષી કામગીરી કરવાની ડંફાસો હાંકતુ મહાપાલિકા તંત્ર રોગચાળાના આંકડા સતત છુપાવી રહી છે. આરોગ્ય શાખા દ્વારા છેલ્લા ૪ સપ્તાહથી રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. આ અંગેની ફરિયાદ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા સપ્તાહમાં દર બુધવારે રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવતા હતા અને આરોગ્યલક્ષી કામગીરીનો રીપોર્ટ પણ પ્રજા જાહેર કરાતો હતો. આરોગ્ય અધિકારી વિજય પંડયાના રાજીનામા બાદ આરોગ્ય શાખા ખુદ બિમાર પડી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૪ સપ્તાહ એટલે કે એક માસથી આરોગ્ય શાખાએ સાપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કર્યા નથી. મહાપાલિકાના ચોપડે સબ સલામત હોવાનું બોલાઈ રહ્યું છે પરંતુ ચોમાસાના આરંભે શહેરમાં રોગચાળાને ભરડો લીધો છે. ઋતુજન્ય, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. દવાખાનાઓમાં ભારે ભીડ ઉભરાઈ રહી છે છતાં મહાપાલિકા આરોગ્ય તંત્ર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી રોગચાળાના આંકડાઓ લેતું નથી અને તેની જાહેરાત પણ કરતું નથી. સિવિલમાં મેલેરિયા ઉપરાંત સ્વાઈનફલુના દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે છતાં તંત્ર શહેર તંદુરસ્ત હોવાનું વાજુ વગાડી રહ્યું છે.