કોરોનાની મહામારી વચ્ચે દિવસ – રાત ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું ફુલહાર અને ચાંદીના સિક્કાથી સન્માન
હાલ કોરોનાની મહામારી વચ્ચે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ- રાત જોયા વગર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આ કોરોના વોરિયર્સને પ્રોત્સાહન કરવા ઉદાસી આશ્રમ- પાટડીના મહંત પૂ. ભાવેશબાપુએ તેઓને ફુલહાર અને ચાંદીના સિક્કા આપીને સન્માન કર્યું હતું. અને તેઓની કામગીરીને બિરદાવી હતી.
હાલ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવીને જન આરોગ્યને નુકશાન ન પહોંચે તે માટે સરકારી વિભાગો સતત કાર્યરત છે. પોલીસ- રેવન્યુ સહિતના સરકારી વિભાગો દિવસ રાત ધમધમી રહ્યા છે અને લોકોને આ મહામારીથી ઉગારવા સતત કમર કસી રહ્યા છે. આ તમાંમને કોરોના વોરિયર્સનું પણ બિરુદ મળ્યું છે.
આ કોરોના વોરિયર્સ પોતાના પરિવારથી પણ અંતર જાળવીને લાકોને આ મહામારીથી બચાવવા માટે પોતાની ફરજ નિષ્ઠાભેર બજાવી રહ્યા છે.
પાટડી તાલુકામા પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા કોરોના વોરિયર્સ સતત ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ તમામ કોરોના વોરિયર્સને પાટડીના ઉદાસી આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુ દ્વારા નવાઝવામાં આવ્યા હતા. મામલતદાર, કે.એસ.પટેલ, નાયબ મામલતદાર વૈષ્ણવ, પીએસઆઇ વી.એન. ચૌધરી અને તેમની ટીમને પૂ.ભાવેશબાપુ અને અમૃત હોટેલના મલિક કનુંભાઈ કોલા દ્વારા ફુલહાર અને પુરસ્કાર રૂપે ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓની ફરજનિષ્ઠાની સરાહના કરવામાં આવી હતી.