- છેલ્લા 24 કલાકમાં વૃદ્ધા સહિત ચાર લોકોએ આપઘાતનો કર્યો પ્રયાસ
હવે નાની-સુની બાબતોમાં લોકો મહામૂલી ઝીંદગી ક્ષણભરમાં ટૂંકાવી દેતા હોય છે. બદલાતી જીવનશૈલીમાં લોકોએ ક્યાંક ધીરજ અને ખંત ગુમાવી દીધી હોય અને મોત અંતિમ પગલું નથી તેવું વિચાર્યા વિના જ ક્ષણભરમાં જીવન ટૂંકાવી દેતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચાર આપઘાતના બનાવ સામે આવ્યા છે. તેમજ એક 75 વર્ષીય વૃદ્ધા સહીત કુલ ચાર લોકોએ જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કરતા હાલ સારવાર હેઠળ છે.
પ્રથમ બનાવીની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ સાયલા તાલુકાના કેરાળા ગામે રહેતા વિનોદભાઈ કાનાભાઈ બારૈયા નામના 30 વર્ષીય યુવકે ગત રાત્રિના રાજકોટના સદર બજાર નજીક પત્નીના પિયરમાં ગળાફાસો ખાઈ લેતા મોત નીપજ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં વિનોદ બારૈયાંના લગ્ન આઠ વર્ષ પૂર્વે રાજકોટમાં રહેતી રિદ્ધિબેન સાથે થયા હતા. છેલ્લા દશેક દિવસથી યુવકની પત્ની રીસામણે રહેલી હતી. બાદમાં પત્નીને લેવા આવેલા વિનોદને સસરાએ ગામડેથી સીટીમાં રહેવા આવી જવા કહ્યું હતું જે બાબતે દંપતી વચ્ચે ફરી ઝઘડો થયો અને પત્ની રિસાયને અન્ય રૂમમાં સુવા જતી રહી હતી. ત્યારે યુવકે રૂમનું બારણું બંધ કરી લાકડાની આડસ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. સવારના પત્ની રિધ્ધીબેને રૂમનો દરવાજો ખખડાવવા છતાંય ન ખુલતા તેણીએ પરિવારના સભ્યોને જાણ કરી હતી. દરવાજો ખુલતા યુવકને આ સ્થિતિમાં જોયા બાદ ઘરના સભ્યો આ દ્રશ્યો જોઈને સ્તબ્ધ રહી ચૂક્યા હતા. મૃતક યુવકને સંતાનમાં પાંચ પુત્રી છે અને મૃતક બે ભાઈમાં નાના હતા.
બીજા બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કોઠારીયા મેઈન રોડ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજભાઈ મહેશભાઈ લુણાગરિયા નામના 20 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજ લુણાગરિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. મૃતકના પિતા પાનનો ગલ્લો ધરાવે છે. યુવકના આ પગલું ભરવા અંગેનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથધરાઇ છે.
જ્યારે કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા સુનિલભાઈ ઉમેશભાઈ સોલંકીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડતી વેળાએ ઇએમટી ટીમના તબીબે મૃત જાહેર કર્યા હતા. આજીડેમ પોલીસે બનાવને પગલે તપાસ આદરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
ચોથા બનાવમાં રાજકોટના શાપર વેરાવળ ગામે પ્રૌઢે એકલવાયા જીવનથી કંટાળીને લોખંડના ઈંગલ સાથે પ્લાસ્ટિકનું ધોરડું બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના સાપર-વેરાવળ ગામે સર્વોદય હાઉસિંગ બોર્ડમાં રહેતા અરવિંદભાઈ નાનજીભાઈ જાદવ નામના 45 વર્ષીય પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈ જાદવ પત્ની હીરાબેનના મૃત્યુ બાદ સંપૂર્ણપણે એકલવાયું જીવન વ્યતિત કરતા હતા, એકલવાયા જીવનથી કંટાળીને પ્રૌઢે આ પગલું ભર્યું છે. મૃતકને સંતાનમાં પુત્ર-પુત્રી છે,જે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તળી ગામે મૃતકના માતા-પિતા સાથે રહે છે.જેથી મૃતકે આ પગલું ભરી લીધાના ચોવીસ કલાક બાદ પાડોશીઓને બનાવની પ્રથમ જાણ થઈ હતી. મૃતકે છતના ઇંગલ સાથે પ્લાસ્ટિકનું દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. મૃતક ત્રણ ભાઈ બે બહેનોમાં મોટા હતા અને મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા હતા.
સંતાનથી દૂર આશ્રમમાં રહેતી વૃદ્ધાએ જાત જલાવવાનો પ્રયાસ કર્યો
શહેરના ગીત ગુર્જરી સોસાયટી વાઘેશ્વરી આશ્રમમાં રહેતા લીલાબેન કાંતિભાઈ જેઠવા નામના 75 વર્ષીય વૃદ્ધાએ સવારના ચારેક વાગ્યે આશ્રમમાં હતા ત્યારે જાત જલાવવાનો પ્રયાસ કર્યો છે. ગંભીર રીતે દાઝી જતાં વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના પુત્ર રાકેશભાઈના જણાવ્યા અનુસાર લીલાબેન જેઠવા ગત ચાર-પાંચ વર્ષથી આશ્રમમાં રહેતા હતા. 15 વર્ષ પૂર્વે પિતાનું મૃત્યુ થયા બાદ માતાની શારીરિક અને માનસિક સ્થિતિ અસ્થિર થઈ ચૂકી હતી. રાકેશભાઈના 15 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ પત્ની અન્ય યુવક સાથે ઘર છોડી ચાલી જતાં માતા-પુત્ર અને રાકેશભાઈના બે સંતાનો સાથે રહેતા પરંતુ માતાની ઘરકામ કરવાની ક્ષમતા ન રહેતા પુત્ર રાકેશભાઈથી તેના બંને સંતાનો અને વૃદ્ધ માતાની દેખભાળ કરવામાં તકલીફ થતી હોવાથી તેમણે માતા લીલાબેનને વાઘેશ્વરી આશ્રમમાં મોકલી દીધા હતા. લીલાબેનના પુત્ર રાકેશભાઈના જણાવ્યા અનુસાર તેમની માતાની માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી તેમણે આ પગલું ભર્યું છે. લીલાબેન જેઠવાને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે.
રૂ.8 લાખની ખોટ આવતા બાંધકામના ધંધાર્થીએ ઝેરી દવા ગટગટાવી લીધી
શહેરના મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય ધરાવતા વસંતભાઈ ભીખાભાઇ કઠડીયા (ઉ.વ. 55) નામના આધેડને રૂ. 8 લાખની ખોટ આવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પ્રાપ્ત વિગત અનુસાર સેટેલાઇટ ચોકમાં મધુવન સોસાયટી ખાતે એક મકાનનું બાંધકામ કર્યું હતું પણ ઘરધણીને મકાન નહિ ગમતા આખુ બાંધકામ તોડી નાખી નવા બાંધકામ માટે અન્ય કોન્ટ્રાકટરને કામ આપી દેતા મજૂરોની મજૂરી આપવાની હોય અને રૂ. 8 લાખની ખોટ આવી હતી જેના લીધે આજે સવારે સાડા નવ વાગ્યા આસપાસ બેડી ગામ પાસે ગેલેક્સી હોટેલની બાજુમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિજનોએ દારૂ પીવા પૈસા ન આપ્યા તો યુવકે ડેટોલ પી લેતા હાલત ગંભીર
રાજકોટની ભાગોળે આવેલા બેડી ગામે રહેતા સંજયભાઈ દિનેશભાઈ મકવાણા નામના 27 વર્ષીય યુવકના પરિવારના સભ્યોએ દારૂ પીવાના પૈસા ન આપતા ડેટોલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના નાનાભાઈ પાર્થે જણાવ્યા અનુસાર સંજયભાઈ મકવાણા દોઢેક વર્ષથી બેરોજગાર છે. અગાઉ ડ્રાઇવિંગ કામ કરતા અને બે ભાઈ એક બહેનમાં નાના છે. એક મહિના પૂર્વે યુવક ના પિતાનું મૃત્યુ થયું હતું.
આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા મહેશ ભુદર પાઠકિયાએ ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યે જેલની હાઈસિક્યુરિટી બેરેકમાં હતો ત્યારે ફિનાઈલ પી લેતા પ્રથમ જેલના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ કેદી મૂળ બોટાદ જિલ્લાનો વતની છે અને ભાવનગરમાં હત્યાના ગુન્હા બદલ આજીવન કેદની સજા કાપી રહ્યો છે અને ગત તા. 9 એપ્રિલની રાત્રે બેરેક વાળવા બાબતે ખોટું લાગી આવતા કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.