હરિભક્તોએ સંતાન પ્રાપ્તી, અભ્યાસ, ધંધા, નોકરી, લગ્ન, પરિવારમાં સંપ અને બીમારી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પૂ.મહંત સ્વામી સમક્ષ પ્રાર્થના કરી
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૮ દિવસથી દર્શન અને સત્સંગલાભ આપી રહ્યા છે
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટ રોકાણના અષ્ટમ દિને અને કારતક સુદ નૌમના એટલે કે હરિનવમીનાં પરમ પવિત્ર દિને પ્રાત: પૂજા બાદ રાજકોટના હજારો હરિભક્તોનાં પ્રશ્નોની રજૂઆત પરમ પૂજ્ય મહંતસ્વામી સમક્ષ હરિભક્તો વતી પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ કરી હતી. જેમાં સંતાન પ્રાપ્તિનાં પ્રશ્નો, અભ્યાસના પ્રશ્નો, ધંધા અને નોકરીના પ્રશ્નો, લગ્નના પ્રશ્નો, પરિવારમાં સંપના પ્રશ્નો, બીમારીનાં પ્રશ્નો, વિદેશમાં રહેતા, નોકરી કે રહેઠાણનાં પ્રશ્નો, મિલકત ખરીદ – વેચાણનાં પ્રશ્નો, કોર્ટ કેસના પ્રશ્નો, આર્થિક જરૂરિયાતનાં પ્રશ્નો વગેરે જેવા લૌકિક પ્રશ્નો, તેમજ ધર્મનાં માર્ગે ઉદભવતા આધ્યાત્મિક પ્રશ્નોનાં નિરાકરણ માટેની પ્રાર્થના હરિકૃષ્ણ મહારાજ તેમજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સમક્ષ કરી હતી. એ પ્રશ્નોનાં સંદર્ભમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વચનમાં જણાવ્યું હતું કે, “શ્રીજી મહારાજ, જે ભગવાન છે, આપણા ઇષ્ટદેવ છે, એને વાત કરી છે અને એ તો દયાળુ છે, એ બધું જ સ્વીકારે છે. આપણા અંદરનું બધું જાણે છે, એમને અપીલ કરી એટલે જે બધાના દુ:ખ-દર્દ, સમસ્યાઓ છે, એ બધા નું નિરાકરણ થાય, બધા પ્રશ્નોનો હલ થાય અને ઉપરથી તને – મને – ધને બધા સુખી થાય એજ પ્રાર્થના. તેમજ આશીર્વચનમાં જણાવ્યું કે, “તમે બધા વ્યવહારમાં પડ્યા છો એટલે ખાસ, ભલે સત્સંગી હોય, અનેક ઈચ્છા ધરાવતો હોય, પણ ક્યારેય ભગવાન સમક્ષ દાવો ના કરાય. ભગવાન કેમ આપતા નથી…? કેમ મારું સાંભળતા નથી..? એવું ના કરવું જોઈએ એવી શુધ્ધ સમજણ પણ દ્રઢ કરાવી હતી. રાજકોટના શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારો હરિભક્તો આજ આ આશીર્વચનની દિવ્ય અનુભૂતિથી કૃતાર્થ થઈ ગયા.
આગામી૩દિવસો દરમ્યાન પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રાત:પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સવારે ૫:૩૦ થી ૭:૩૦ દરમ્યાન મળશે.