ભારતી આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર ભારતીબાપુ રવિવારે બ્રહ્મલીન થતાં સાધુ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુકતાનંદ બાપુ જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય મહામંડલેશ્વર ભારતીબાપુ લાંબું આયુષ્ય ભોગવ્યું હતું. તેઓએ લાંબા સમય સુધી સંતોમાં નેતૃત્વ કર્યું હતું. જેવો સરળ સ્વભાવના અને કર્મઠ વ્યક્તિ હતા. તેઓ નિખાલસપણે સમાજની સેવા કરનાર એવા મહાપુરુષ હતા, તેઓ દેવલોક પામતા તેમની ખોટ સમાજને પડી ગઈ છે અને સમગ્ર સમાજ દુ:ખ વ્યક્ત કરી રહ્યું છે એવા સૌના આદર્શ પૂજ્ય બાપુને સદગુરુ ભગવાન તેમના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના કરું છુ.
અંબાજી મંદિરના મહંત પૂજ્ય તનસુખગીરીબાપુ જણાવ્યું હતું કે, ભારતી બાપુના અવસાનથી સમાજને મોટી ખોટ વર્તાઈ રહી છે. ભવનાથ તીર્થ ક્ષેત્રના વિકાસમાં તેમનું ખૂબ સારું યોગદાન રહ્યું હતું. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હદય પૂર્વક પ્રાર્થના કરું છું.
ઉપલા દાતારના મહંત પૂજ્ય ભીમબાપુએ જણાવ્યું હતું કે, પૂજ્ય ભારતીબાપુ બ્રહ્મલીન થતાં તેની ઇચ્છા મુજબ ભારતી આશ્રમ ખાતે તેમની સમાધિ આપવામાં આવી છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છુ.
ભારતીઆશ્રમ ખાતે કાલે પ્રાર્થના સભા
જુનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ આશ્રમના સંસ્થાપક અને જૂના અખાડાનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ તા. 11 એપ્રિલ રવિવારના રોજ બ્રહ્મલીન થતાં તેઓને શ્રદ્ધાંજલિ આપવા ગુરુવારે બપોરના 3 થી 6 વાગ્યા સુધી જુનાગઢ ભારતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રાર્થના સભામાં પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુ તેમજ કલ્યાણાનંદ ભારતી બાપુ અને ઋષિ ભારતી બાપુ, મહાદેવ ભારતી બાપુ સહિતના સંતો પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરશે.