આ અધિવેશનમાં છેલ્લા ૨૫ વર્ષથી સંયુકત કુટુંબની તમામ જવાબદારી નિભાવનાર ૧૧ બહેનોનું નારીરત્નથી સન્માન કરાશે સાથે સાથે કોર્ટમાં ચાલતા કેટલાક કેસોનું પણ નિરાકરણ ‘સમાધાન પંચ’ દ્વારા લવાશે : રાજપૂત મહિલા સંઘના કાર્યકરો અબતકને આંગણે
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા આગામી ૨૭ જૂનના રોજ સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરાવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ૧૩ જિલ્લાની મહિલા કમિટીઓ પણ જોડાશે અને લગભગ પાંચ હજાર રજપૂતાણીઓ આ ‘મહાકુંભ’ જેવા અધિવેશનમાં વિવિધ સામાજીક મુદાઓ અંગે ચર્ચા કરશે આ ઉપરાંત ખાસ કરીને જે કોર્ટ કેસો છે તેનો પણ નિકાલ કરવાનો પ્રયાસ થશે. આ સાથે સગાઈ તૂટવાના, છૂટાછેડાના રીમેરેજના તથા આંતર જ્ઞાતિય લગ્નો જેવા સામાજીક મુદાઓને આવરી ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવશે આ તકે રજપૂતાણીઓએ અબતકની મુલાકાત લીધી.
રાજપૂતાણીઓનાં આ અધિવેશનમાં મુખ્ય અતિથિ હીઝ હાઈનેસ રાસેશ્ર્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન) ખાસ ઉપસ્થિત રહેશે આ અંગે સમારંભના અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહજી પરમારે જણાવ્યું છે.
રાજપૂત સમાજની આન-બાન અને જ્ઞાન જાળવવાવાળા સંસ્કારો અને સંસ્કૃતિનુ જતન કરવા રાજપુતાણીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાજપૂતાણીઓનાં સિધ્ધાંતો વાણી વર્તન અને પહેરવેઝના કારણે આમસમાજનાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. સમય સાથે તાલમિલાવી સમાજના બહેનોએ પણ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિ કરી છે. અને વિકાસ સાધ્યો છે જોકે આ વિકાસ સાથે સામાજીક વિનાશ ન આવે તે માટે ચર્ચા કરવા ચર્ચા કરી નિર્ણયો લઈ તેના માટે ચોકકસ રણનીતિ નકકી કરવાનો આશય અને ધ્યેય સાથે રાજપૂતાણી મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવેલ છે.
રાજપુત સંસ્કૃતિને સંસ્કારમાં રાજપુતાણીનો બહુ મોટો ફાળો છે. રાજપુતાણી થકી રાજપૂત સંસ્કૃતિ ટકી રહી છે. આ તકે શારદાબા જાડેજા જયશ્રીબા જાડેજા, હીનાબા બી. ગોહિલ, હંસીનીબા જાડેજા, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ઈલાબા જાડેજા તથા ગીતાબા ચુડાસમાએ અબતકની મુલાકાત લીધી. આ અધિવેશ ૨૭ જૂન ગૂરૂવારે દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ, મૂળી રોડ, સુરેન્દ્રનગર ખાતે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે.
મહત્વનું છે કે આ અધિવેશનમાં ૨૫ વર્ષથી સંયુકત કુટુંબમાં રહી કુટુંબ તેમજ પરિવારની નાની મોટી જવાબદારી સંભાળનાર ૧૧ રાજપુતાણીઓનું નારીત્નથી સન્માન કરવામાં આવશે. તેમના સન્માનથી અન્ય વહુબા અને દિકરીબા ને પણ પ્રોત્સાહન મળે અને વિભકત કુટુંબની જગ્યાએ સંયુકત કુટુંબમાં રહેવાનું પસંદ કરે.