- ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી યોજાશે મહાકુંભ
- મહાકુંભમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે રૂ.2,600 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
સંગમનગરી પ્રયાગરાજમાં આગામી વર્ષની શરૂઆતમાં મહાકુંભ 2025નું ભવ્ય આયોજન થવાનું છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સરકાર આ આયોજનને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે. આ વર્ષે પ્રયાગરાજ મહાકુંભ પોષ પૂર્ણિમા એટલે કે 13 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને તેનું સમાપન મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીએ થશે. મહાકુંભ 2025માં શાહી સ્નાનની 6 તારીખ હશે, જેમાં સાધુ-સંતોના અખાડા સદીઓ જૂની ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. મહાકુંભમાં સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતાની સાથે આ આયોજનની સુંદરતા માટે પણ મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ સ્થળોએ ગ્રીન બેલ્ટ, બાગાયત, થીમેટિક ડેવલપમેન્ટ સહિતના સેંકડો સ્તંભ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય વાત એ છે કે, મહાકુંભ 2025નું આયોજન અમૃત કાળ દરમિયાન થવા જઈ રહ્યું છે. આ મહાકુંભ રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પ્રતિબિંબિત કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે ₹2,600 કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. આ બજેટ મુજબ નવા બાંધકામ, સમારકામ, ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક અને સુરક્ષાને લગતા 6,000 પ્રોજેક્ટ્સ પર અવિરત કામગીરી કરવામાં આવી રહી છે.
દેશ-વિદેશથી 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના
મેળા વહીવટીતંત્રના અનુમાન મુજબ, મહાકુંભ 2025માં દેશ-વિદેશથી 45 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે. મુલાકાતીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મહાકુંભની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા માગતી નથી. મહાકુંભ મેળાના વિસ્તારને 25 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. 40,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા દરેક સેક્ટરમાં કેમ્પ, ઓફિસ, કમ્યુનિટી એરિયા તેમજ આરોગ્ય, સ્વચ્છતા અને સલામતીને લગતી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ આયોજનમાં સુરક્ષા અને સરળ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજમાં ગોવા, કોલકાતા, મહારાષ્ટ્ર સહિત દેશના ટોચના વોટર પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ અને મેળામાં આવનારા નાગરિકો માટે સમગ્ર મેળા વિસ્તારમાં 2 લાખ ટેન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે 1800 હેક્ટરમાં પાર્કિંગ એરિયા બનાવવામાં આવી રહ્યો છે. 12 કિ.મીમાં ફેલાયેલા ઘાટને ભક્તો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.