વર્તમાન બોડીમાં પ્રમુખપદ માટે બે પાટીદાર દાવેદારો વચ્ચે બબાલ સર્જાયા બાદ પાટીદાર આગેવાનની મઘ્યસ્થીથી નકકી થયેલી સમાધાન ફોર્મ્યુલા મુજબ પહેલા દોઢ વર્ષ માટે શિવલાલ અને પછીના દોઢ વર્ષ માટે વી.પી. ને પ્રમુખપદે નિમવાના હતા
આ ફોર્મ્યુલા મુજબ વી.પી. વૈષ્ણવને પ્રમુખપદે વરણી કરવા થઇ રહેલી હિલચાલ સામે બોડીના અનેક સદસ્યોમાં વિરોધ ઉભો થયો, એક સમાજની મન સુફીથી માત્ર પ્રમુખ બદલવા ચેમ્બરના નિયમો વિરુઘ્ધ હોવાની કેફીયત: પ્રમુખની વરણીથી ચેમ્બરમાં જ્ઞાતિવાદ પ્રબળ બનશે તો આક્રોશ ફાટી નિકળશે
વેપારી-મહાજનોની સવોચ્ચ સંસ્થા ગણાતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બદલવા હિલચાલ ચાલી રહી છે
વર્ષ પહેા પ્રમુખપદ માટે બે પાટીદાર દાવેદારો વચ્ચે ભારે ખેંચાતાણી બાદ સમાધાન ફોર્મ્યુલા નકકી કરવામાં આવી હતી જે મુજબ વર્તમાન પ્રમુખને રાજીનામુ આપવાનો સમય આવી ગયો છે. જેથી ચેમ્બરના ૬૫ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક ટર્મ માટે બે પ્રમુખ બને તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
પરંતુ, વર્તમાન હોદેદારોમાંથી એક માત્ર પ્રમુખ રાજીનામુ આપે અને તેની જગ્યાએ નવા પ્રમુખ નિમણુંક થાય જે ચેમ્બરના નિયમો અનુસાર શકય છે કે કેમ? તે મુદ્દા પર વિવાદ ઉભો થવાની સંભાવના હોય હાલ તો વેપારીઓની આ સંસ્થા રાજકીય અખાડો બનવા જઇ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝની વર્ષ ૨૦૧૭માં હોદ્દેદારોની નિમણુંક કરવા માટે થયેલી ચુંટણીમાં સોમના પ્રમુખ સમીરભાઇ શાહ પ્રમુખપદે ચુંટાયા હતા. પરંતુ, સમીરભાઇ એક હત્યા કેસમાં ફસાતા ઉપપ્રમુખ શિવલાલ બારસીયા ઇન્ચાર્જ પ્રમુખ બન્યા હતા. સમીરભાઇ જામીન પર છુટયા બાદ વેપારીઓના સંસ્થાના પ્રમુખપદે આરોપી વ્યકિત અક્ષોભનીય બાબત ગણાય તે મુદ્દા પર તેમનો વિરોધ થયો હતો. જેથી, પ્રમુખપદની નવેસર ચુંટણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદ માટે શિવલાલ બારસીયા અને વી.પી. વૈષ્ણવ બે પાટીદાર દાવેદારો સામ સામે મેદાનમાં આવી ગયા હતા.
જેથી પાટીદારોની સંસ્થા ખોડલધામ કાલાવડના પ્રમુખ નરેશભાઇ પટેલે આ મુદ્દે મઘ્યસ્થી કરીને બન્ને પાટીદાર દાવેદારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું જે મુજબ વર્તમાન બોડીની ત્રણ વર્ષની મુદતમાંથી પ્રથમ દોઢ વર્ષ શિવલાલ બારસીયા પ્રમુખપદે રહે અને બાકીના દોઢ વર્ષ માટે વી.પી. વૈષ્ણવનો પ્રમુખ બનાવવામાં આવે તેવી ફોમ્યુલા નકકી કરવામાં આવી હતી.
જે મુજબ વર્તમાન પ્રમુખ શિવલાલ બારસીયાનો પ્રમુખપદનો દોઢ વર્ષનો સમયગાળો પૂર્ણ થઇ રહ્યો છે. જેથી, વર્તમાન બોડીમાં સેક્રેટરી વી.પી.વૈષ્ણવનો પ્રમુખ બનાવવા સત્તાધારીઓના એક જુથે તજવીજ શરુ કરી છે. જે અંગે આગામી ર૬મીને બુધવારે બોલાવવામાં આવેલી ચેમ્બરની એક બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના સેવાઇ રહી છે.
પરંતુ, ચેમ્બરના ૬૫ વર્ષના ઇતિહાસમાં એક ટર્મમાં બે પ્રમુખ આવે તેવી આ સ્થિતિ સામે અનેક વિરોધ ઉભા થવા પામ્યા છે. ચેમ્બરના અનેક સભ્યોએ આ રીતે ચેમ્બરના નિયમો વિરુઘ્ધ પ્રમુખ બદલવા માટે પોતાનો વિરોધ વ્યકત કર્યો છે.
તો અનેક સભ્યોએ ચેમ્બરમાં આ ખોટું થઇ રહ્યાનો વસવસો વ્યકત કરીને આ મુદ્દે જ્ઞાતિવાદ ચાલી રહ્યાનો અને ચેમ્બરના હોદેદાર સિવાયના બહારના વ્યકિત દ્વારા પ્રમુખને બદલવા થઇ રહેલી હિલચાલ સામે આક્રોશ વ્યકત કરીને જ્ઞાતિવાદ ચલાવવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું.
સામાન્ય રીતે ચેમ્બરના નિયમો અનુસાર કોઇ હોદેદારોને રાજીનામુ આપવું હોય તો રાજીનામુ બોર્ડને આપી શકે છે. જે બાદ બોર્ડના તમામ સદસ્યો આ ખાલી જગ્યા ભરવા માટે બહુમતિથી નિર્ણય કરે છે અને આ પદ ભરવા માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવી પડે છે. અને આ પદ માટે એક કરતા વધારે દાવેદાર હોય તો વિધિવત ચુંટણી યોજવી પડે છે પરંતુ હાલમાં પ્રમુખ બદલવા માટે જે હિલચાલ ચાલી રહી છે તેમાં વર્તમાન પ્રમુખની જગ્યાએ નવા પ્રમુખની ચુંટણી કર્યા વગર બારોબાર વરણી કરવાની તજવીજ હાથ ધરાઇ રહી છે.
તેવો આક્ષેપ પણ અનેક સભ્યોએ કર્યો છે જેથી પ્રમુખ બદલવાના મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હાલ તો રાજકીય અખાડામાં ફેરવાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
પ્રમુખ બદલવા અંગે ર૯મીની એજીએમમાં નિર્ણયની સંભાવના: શ્યામભાઇ શાહચેમ્બરના કારોબારી સભ્ય શ્યામભાઇ શાહએ જણાવ્યું હતું કે શિવલાલભાઇની પ્રમુખપદ માટેની દોઢ વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે. તેથી ચેમ્બર પ્રમુખ બદલવા માટે તવીજ ચાલુ છે. આ અંગે ર૯મીએ યોજાનારી એજીએમમાં ચર્ચા થાય તેવી સંભાવના છે. રાજીનામું આપવાની બાબત પ્રમુખ પુરતી જ છે. અન્ય કોઇ હોદેદારો કે કારોબારી સભ્ય રાજીનામુ આપનારા નથી હાલમાં પ્રમુખપદ માટે અન્ય કોઇ ઉમેદવાર ન હોય ચુંટણી થવાની સંભાવના નહિંવત છે.
સીધા નવા પ્રમુખની વરણીની હિલચાલ ચેમ્બરના નિયમો વિરૂઘ્ધ: જીતુભાઇ અદાણીચેમ્બરના કારોબારી સદસ્ય જીતુભાઇ અદાણીએ જણાવ્યું હતું કે ચેમ્બરના નિયમોનુસાર બોર્ડ સર્વોપરી છે જેથી પ્રમુખ સહીત કોઇપણ હોદેદારોને રાજીનામુ આપવું હોય તો બોર્ડને જ આપવું પડે છે જેથી શિવલાલભાઇ રાજીનામુ આપવા માંગતા હોય તો નિયમાનુસાર બોર્ડને રાજીનામુ આપી શકે છે અને તે બાદ ઉપપ્રમુખ કામ ચલાઉ પ્રમુખ તરીકે કાર્ય કરીને નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. તેમાં જો એક કરતા વધારે દાવેદારો હોય તો ચુંટણી યોજવી જરુરી છે. વર્તમાન પ્રમુખ રાજીનામુ આપે અને તેની જગ્યાએ સીધા વી.પી. વૈષ્ણવ પ્રમુખપદે આવી જાય તેવી હિલચાલ હોય તો તે નિયમો વિરુઘ્ધ છે.
હા, હું પ્રમુખપદેથી રાજીનામું આપી રહ્યો છું: શિવલાલ બારસીયાચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસીયાએ જણાવ્યું હતું કે એ સાચી વાત છે કે હું પ્રમુખ બન્યો તે પહેલા નરેશભાઇ પટેલની મઘ્યસ્થાથી સમાધાન ફોર્મ્યુલા નકકી થઇ હતી. જે મુજબ પહેલા દોઢ વર્ષ હું અને પછીના દોઢ વર્ષ માટે વી.પી. વૈષ્ણવને પ્રમુખ બનાવવા છે. જે મુજબ હું ટુંક સમયમાં પ્રમુખપદેથી રાજીનામુ આપી દઇશ, પ્રમુખ રાજીનામુ આપે તેનાથી સમગ્ર બોડીનું વિસર્જન થતું નથી. માત્ર પ્રમુખ બદલાશે હું પ્રમુખપદેથી બોર્ડને રાજીનામુ આપી દઇશ. જ્ઞાતિને લઇને કોઇ તજવીજ નથી અને ચેમ્બરમાં પ્રમુખ જે સવેસર્વા નથી વી.પી. વૈષ્ણવ સારી રીતે ચેમ્બરનો વહીવટ સંભાળી શકશે.
ચેમ્બર મહાજનોની સંસ્થા છે આવી હિલચાલથી જ્ઞાતિવાદ પ્રબળ થશે: હસમુખભાઇ ભગદેવચેમ્બરના વરિષ્ટ કારોબારી સદસ્ય હસમુખભાઇ ભગદેવે જણાવ્યું હતું કે ચેમ્બરના માત્ર પ્રમુખ બદલવા માટે હાલ જે હિલચાલ થઇ રહી છે તે ખોટું થઇ રહ્યું છે. તેનાથી ચેમ્બરની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે. માત્ર પાટીદાર સમાજના પ્રમુખપદના દાવેદારો વચ્ચે ચાલતી આ હિલચાલના કારણે ચેમ્બરમાં જ્ઞાતિવાદ પ્રબળ બનશે. આ વેપારી મહાજનની સંસ્થા છે અને વેપારીઓના હિત માટે છે.
પ્રમુખ બોર્ડને રાજીનામુ આપે ત્યાર બાદ નવા પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા થવી જોઇએ: મુકેશભાઇ દોશી
ચેમ્બરના કારોબારી સદસ્ય મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે ચેમ્બરના નિયમો અનુસાર શિવલાલભાઇ રાજીનામુ આપી દે અને વી.પી. વૈષ્ણવ પ્રમુખપદ ગ્રહણ કરી લે તે શકય નથી. આ માટે વર્તમાન પ્રમુખ બોર્ડને રાજીનામુ આપવું પડે અને એક કરતા વધારે ઉમેદ વાર મેદાનમાં રહે તો નિયમાનુસાર પ્રમુખપદ માટે ચુંટણી કરાવવી જ પડે પ્રમુખપદે રાજકારણ સાથે જોડાયેલો વ્યકિત આવે તો પણ તેને રાજકારણ બાજુ રાખીને વેપારી મહાજનના પ્રશ્રનોને પહેલા વાચા આપવી જ જોઇએ.